મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

ફેસબુકને દિલ્હી વિધાનસભા કમિટી સમક્ષ જુબાની આપવાની ફરજ પાડી શકાય નહીં : કમિટી દ્વારા તપાસની માંગણી વિધાનસભા અને કારોબારીની સત્તા બહારની બાબત છે : દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટી દ્વારા ફેસબુક ઇન્ડિયા હેડ અજિત મોહનને અપાયેલું સમન્સ રાજકારણ પ્રેરિત છે : સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ હરીશ સાલ્વેની દલીલો

ન્યુદિલ્હી : ફેબ્રુઆરી 2020 માં થયેલા દંગલ મામલે તપાસ કરી રહેલી દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ ફેસબુક ઇન્ડિયા હેડ અજિત મોહનને સમન્સ પાઠવી હાજર થવા ફરમાવ્યું હતું.
ઉપરોક્ત સમન્સ પાઠવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અજિત મોહન વતી દલીલ કરતા એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે ફેસબુકને દિલ્હી વિધાનસભા કમિટી સમક્ષ જુબાની આપવાની ફરજ પાડી શકાય નહીં . કમિટી દ્વારા તપાસની માંગણી  વિધાનસભા અને કારોબારીની સત્તા બહારની બાબત છે . આ બાબત રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. તેમજ રાજકારણથી પ્રેરિત છે.

તેમણે ઉમેર્યું હતું કે સમન્સ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો પર આધારિત  છે. અને એવી માન્યતા સાથે પાઠવાયું છે કે  "ફેસબુક શાસક સરકારનું સમર્થન કરે છે".

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટી દ્વારા ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહનને કમિટી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવાયું હતું. જે મામલે સુનાવણી થઇ રહી હતી. જે અંતર્ગત કમિટી  દ્વારા 10 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરના રોજ પાઠવાયેલી  નોટિસને પડકારવામાં આવી હતી.

એડવોકેટ હરીશ સાલવેની દલીલ પુરી થયા બાદ હવે  એડવોકેટ અરવિંદ દાતાર દલીલો કરશે.જે માટે 27 જાન્યુઆરીની મુદત નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)