મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ૨૧મી ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાનુ મતદાન : ૨૮મી ફેબ્રુઆરીએ પંચાયતોની ચૂંટણી

ગાંધીનગર, તા. ૨૩ : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં આજે ચોથા શનિવાર રજાનાં દિવસે પણ રાજય ચૂંટણી આયોગની કચેરી પર ધમધમાટ જોવા મળ્યો હતો. બધા અધિકારીઓ અને કર્મચારી ચૂંટણી આયોગ કાર્યાલય પર હાજર હતા. રજા હોવાં છતાંય રાજય ચૂંટણી આયોગ કાર્યાલય ચાલું હોવાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો, ૮૩ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.

(8:08 pm IST)