મુખ્ય સમાચાર
News of Monday, 23rd January 2023

ભારત અને પાકિસ્તાન વચ્ચે રેલવે ભાડું હતું માત્ર 4 રૂપિયા: થર્ડ એસીની ટિકિટ વયરલ

’17-09-1947ના રોજ આઝાદી પછી નવ લોકો માટે ટિકિટ જાહેર: રાવલપિંડીથી અમૃતસર સુધી મુસાફરી કરી અને તેનું ભાડુ માત્ર 36 રૂપિયા અને 9 આના

નવી દિલ્હી :હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં લગ્નના જૂના કાર્ડથી લઈને જૂના વાહનોના બિલ સુધી અનેક પ્રકારના બિલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સૌથી પહેલા તો એક 37 વર્ષ જૂની રેસ્ટોરન્ટનું બિલ વાયરલ થયું, જેથી લોકોને ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખાની 5 રૂપિયામાં મળતી હતી.

આ બિલ જોયા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. બસ પછી શું હતું, જૂના બિલ શેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ… ત્યાર બાદ ઘણા લોકોએ જૂના બિલ શેર કર્યા અને કહેવા લાગ્યા કે એ સમય કેટલો સારો હતો..! હાલમાં બીજી જૂની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલી આ ટિકિટ ભારતીય રેલવેની છે. જ્યાં નવ લોકોએ માત્ર 36 રૂપિયા ચૂકવ્યા અને રાવલપિંડીથી અમૃતસર પહોંચ્યા. આ ટિકિટ જોયા બાદ લોકો તેની સરખામણી આજના મોંઘા બિલ સાથે કરી રહ્યા છે. આ જોઈને સમજી શકાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેલવે ભાડું માત્ર 4 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતું. નવાઈની વાત એ છે કે આ ટિકિટ થર્ડ એસીની છે અને વન-વે મુસાફરીની છે.

આ ફોટો ફેસબુક પર પાકિસ્તાન રેલ લવર્સ નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ’17-09-1947ના રોજ આઝાદી પછી નવ લોકો માટે ટિકિટ જાહેર કરવામાં આવી… જેના પર લોકોએ રાવલપિંડીથી અમૃતસર સુધી મુસાફરી કરી અને તેનું ભાડુ માત્ર 36 રૂપિયા અને 9 આના છે. કદાચ આ ટિકિટ ભારત આવેલા પરિવારની છે. આ જોયા પછી લોકોએ તેના પર અલગ-અલગ રીતે કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું.

 

(10:47 pm IST)