મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યને ત્યાં આવકવેરા વિભાગના દરોડા : 7,5 કરોડ રોકડા સહીત કરોડોનું કાળુંનાણું ઝડપાયું

મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં નિલય ડાગાના અલગ અલગ ઠેકાણાં પર રેડ

ભોપાલ :આવકવેરા વિભાગે મધ્યપ્રદેશના ધારાસભ્યને ત્યાં આવકવેરાના દરોડા પાડયા હતા. આ વખતે એટલું કાળું નાણું ઝડપાયું છે કે તેને ગણવામાં હાથ થાકી જાય, આ માટે અધિકારીઓએ કાઉન્ટિંગ મશીન તાબડતોબ મંગાવવા પડ્યા હતા.મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિલય ડાગા વિરૂદ્ધ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં કરોડો રૂપિયાનું કાળુ નાણું ઝડપાયું છે.

 છેલ્લાં ત્રણ દિવસથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં નિલય ડાગાના અલગ અલગ ઠેકાણાં પર રેડ પાડી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુરમાં કોંગ્રેસ ધારાસભ્યના ઠેકાણાંઓ પરથી આવકવેરા વિભાગના અધિકારીઓએ 7.5 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા છે. નિલય ડાગા અને તેમના ભાઈઓને ત્યાં ગત શનિવારે લગભગ રાત્રે 1 વાગ્યે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ પહોંચી હતી અને ત્યારથી જ દરોડા પાડવાની કાર્યવાહી યથાવત હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે સોલાપુર સ્થિત કોંગ્રેસના MLAના ઠેકાણાંથી તેમના એક કર્મચારી બેગ લઈને ભાગવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. આ બેગ નોટોથી ભરેલી હતી. જે બાદ આ ઠેકાણાંઓથી નોટોથી ભરેલા બીજી બેગ પણ મળી આવી. ધારાસભ્યને ત્યાંથી મોટા પ્રમાણમાં કરન્સી મળવાથી આવકવેરા વિભાગના અધિકારીઓને નોટ કાઉન્ટિંગ મશીનો લગાડવી પડી હતી. લગભગ 7.5 કરોડ રૂપિયા જેટલી કેશ સોલાપુરના ઠેકાણેથી જ મળી આવી હતી. ડાગા બંધુ આ ધનનો કોઈ જ સ્ત્રોત આવકવેરા વિભાગના અધિકારીઓને ન જણાવી શક્યા. તેથી આઈટી ડિપાર્ટમેન્ટે આ કરન્સીને જપ્ત કરી હતી.ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની કાર્યવાહીના પહેલાં બે દિવસ બૈતુલ સહિત ડાગાના અન્ય જગ્યાઓ પરથી 60 લાખ રૂપિયાની કેશ મળી હતી. સોલાપુરના પૈસાને મળીને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત રકમ 8.10 કરોડ રૂપિયા થઈ છે. આ પૈસાને જમા કરાવવા માટે રવિવાર હોવા છતાં સોલાપુરમાં બે બેંકની શાખાઓને ખાસ ખોલાવવામાં આવી હતી

આવકવેરા વિભાગની ભોપાલ વિંગે અત્યાર સુધીમાં જેટલી પણ રેડ મારી છે, તેમાં અત્યાર સુધીમાં આટલા મોટા પ્રમાણમાં કેશ પહેલી વખત જપ્ત કરી છે.વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલાં અશ્વિન શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના સહયોગીને ત્યાં પણ રેડ પડી હતી જ્યાંથી લગભગ 12 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પરંતુ આ દરોડા દિલ્હી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને તેવા પણ પ્રમાણ મળ્યા છે કે નિલય ડાગાની કંપનીઓ હવાલાની મદદથી વિદેશોમાં પૈસા મોકલ્યા અને મંગાવ્યા હતા. આ ઉપરાંત અનેક મોટી રકમ કેશમાં પણ લીધી હતી.આવકવેરા વિભાગના સૂત્રો મુજબ બૈતુલના ધારાસભ્ય નિલય ડાગા અને તેમના ભાઈ કોલકાતાની 24 કંપનીઓમાં ખોટા નામે લેવડદેવડ કરતા હતા. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ ચોરીનો હતો. સેંકડો એવા દસ્તાવેજ આવકવેરા વિભાગની ટીમને મળ્યાં છે, જેમાં તેવું પુરવાર થાય છે કે ડાગા બંધુઓએ આ કંપનીઓમાંથી લગભગ 100 કરોડ રૂપિયા સુધીનું ટ્રાંજેક્શન કર્યું હોય. બૈતુલના કોંગ્રેસના ધારાસભ્ય નિલય ડાગા ઓઈલનો મોટા વેપારી છે

(1:01 am IST)