મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

યુપીના મુઝફ્ફરનગરમાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ :બોલાચાલી બાદ મારામારી : અનેક ઘાયલ

જયંત ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે, ખેડૂતોના પક્ષમાં વાત ના થઈ શકે તો ઓછામાં ઓછો વ્યવહાર તો સારો રાખો.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારના ખેડૂતો અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે. બંનેની વચ્ચે તીખી બોલાચાલી બાદ વાત મારઝૂડ સુધી પહોંચી ગઈ, જેમાં અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટના શાહપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના સોરમ ગામની છે. આ ઘટનાને લઇને RLD નેતા જયંત ચૌધરીએ ટ્વીટ કરી છે.

જયંત ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'સોમર ગામમાં બીજેપી નેતાઓ અને ખેડૂતોની વચ્ચે સંઘર્ષ, અનેક લોકો ઘાયલ. ખેડૂતોના પક્ષમાં વાત ના થઈ શકે તો ઓછામાં ઓછો વ્યવહાર તો સારો રાખો.ખેડૂતોની ઇજ્જત કરો. આ કાયદાના ફાયદા બતાવવા જઇ રહેલા સરકારના પ્રતિનિધિઓની ગુંડાગર્દી સહન કરશે ગામવાળા?

જયંત ચૌધરીએ ઘાયલ ખેડૂતોની તસવીર પણ શેર કરી છે. આ મારઝુડમાં અનેક ખેડૂતો ઘાયલ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસે બંને પક્ષોને સમજાવ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાઓને લઇને બીજેપીના મેગા પ્લાન પર ખેડૂતોનો ગુસ્સો ભારે પડી રહ્યો છે. નવા કૃષિ કાયદાના ફાયદા બતાવવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શામલીના ભેંસવાલામાં સંજીવ બાલિયાન અને બીજેપીની વિરુદ્ધ જોરદાર નારેબાજી થઈ હતી.

ગ્રામજનોએ મંત્રીના કાફલાની આગળ ટ્રેક્ટર લગાવીને તેમને ગામમાં ઘૂસવાથી રોકી દીધા. આ વિરોધ પર સંજીવ બાલિયાને કહ્યું હતુ કે 10 લોકોના વિરોધ કરવાથી અને મુર્દાબાદ બોલવાથી હું મુર્દાબાદ નહીં થઈ જાઉં. વિરોધના કારણે મંત્રીના કાફલાએ પાછા ફરવું પડ્યું.

(8:08 am IST)