મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

કોરોના પ્રસરવા લાગ્યો : રસીકરણની ઝડપ બમણી કરાશે

સોફટવેર 'લોડ' ઉપાડી શકશે કે કેમ તે ચકાસાઇ રહ્યું છે : ત્યારબાદ રોજના રસીકરણની સંખ્યા ડબલ કરી નખાશે તેવા નિર્દેશો

નવી દિલ્હી તા. ૨૩ : કેરળ - મહારાષ્ટ્ર સહિત દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ફરી સ્પીડ પકડતા કોરોના રસી આપવાની ઝડપ બમણી કરી દેવા કેન્દ્ર સરકાર ગંભીરતાથી પગલા લઇ રહ્યાનું બહાર આવ્યું છે અને આવતા એકાદ મહિનામાં જ રોજના ૫ લાખ લોકોને વેકસીન આપવાનું શરૂ કરી દેવાશે તેમ જાણવા મળે છે.

દેશમાં અત્યારે હજારો જગ્યાએ ૨ થી ૨ાા લાખ લોકોને વેકસીન આપવામાં આવી રહેલ છે જે સંખ્યા બમણી કરવામાં આવી રહ્યાના નિર્દેશો અધિકારી વર્ગ આપી રહ્યાનું 'હિન્દુસ્તાન'માં પ્રસિધ્ધ થયું છે.

આ મર્ચના પ્રારંભથી ૫૦ વર્ષ ઉપરના લોકોને રસીકરણ શરૂ થઇ રહ્યું છે ત્યારે આ ગંભીરતા આવી પડી છે. અત્યાર સુધી માત્ર હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. હવે ૫૦ અને ૬૦ વર્ષના લોકોને અપાશે. તેમાં પણ ૫૦ વર્ષથી ઉપરનાને સંભવતઃ પૈસા લઇને રસી અપાશે તેમ જાણવા મળે છે.

કોરોના વાયરસ અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન.કે.અરોરા કહે છે કે હજી સોફટવેર ફંકશન ચકાસવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેવી ખાત્રી થશે કે સોફટવેર લોડ વહન કરવા માટે સક્ષમ છે કે તુરંત જ રસીકરણની સંખ્યા વધારી દેવાશે.

ભારતમાં કોરોનાની નવી લહેર દસ્તક દઇ રહી છે તેથી ચિંતીત બની રસીકરણ પ્રક્રિયામાં વેગ લાવવા પ્રયાસ થઇ રહ્યાનું મનાય છે. જો કે સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી. એકિટવ કોરોના કેસોની સંખ્યા દોઢ લાખથી વધી ગઇ છે. અને છેલ્લા અઠવાડિયાથી લગાતાર કોરોના કેસ વધી રહ્યા છે.

અત્યાર સુધીમાં દેશમાં લગભગ સવા કરોડ આસપાસ લોકોને રસી મૂકાઇ ગઇ છે. ૭૫% હેલ્થ કર્મચારીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ હેલ્થ કર્મચારીઓને આપવા સાથે થયેલ છે.

(11:45 am IST)