મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

ક્રિકેટર મનોજ તિવારી મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્‍યતાઃ કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ જોડાવાની આશંકા

કોલકાતા: બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માંથી નેતાઓ એક-એક કરીને સાથ છોડી રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ક્રિકેટર મનોજ તિવારી ટીએમસીમાં સામેલ થઇ શકે છે. તેઓ હુગલીમાં આવતીકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રૈલી દરમિયાન પાર્ટીમાં સામેલ થઇ શકે છે.

ભારતીય ક્રિકેટર મનોજ તિવારી 24 ફેબ્રુઆરીના રોજ હુગલી જિલ્લામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની રૈલીમાં ટીએમસીમાં સામેલ થશે. આ વાતની જાણકારી ક્વિન્ટે ટીએમસી સાથે સંબંધિત સૂત્રોના કહેવા મુજબ આપી છે.

રિપોર્ટ મુજબ પાર્ટીએ અંદાજે ચાર અઠવાડિયા પહેલા તિવારી સાથે સંપર્ક સાધ્યો હતો, કારણ કે તેમને ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. શુક્લા હાવડામાં પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હતા અને તાજેતરમાં જ તેમણે પાર્ટી અને બંગાળ સરકારમાં મંત્રી પદ છોડ્યું હતું.

તિવારી સાથે કોંગ્રેસ અને ભાજપના કેટલાક સભ્યો પણ રેલી દરમિયાન પાર્ટીમાં સામેલ થશે તેવી સંભાવના છે. બેનર્જીની રેલી એ જ મેદાનમાં થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ફેબ્રુઆરીના રોજ એક જનસભાને સંબોધિત કર્યો હતો.

35 વર્ષના મનોજ તિવારીએ વનડે અને ટી-20 સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાઇઝિંગ પુણે માટે પણ રમી ચુક્યો છે. હાવડામાં જન્મેલા મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું હતુ અને તેમણે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી વનડે મેચ જુલાઈ 2015માં રમી.

તેમણે 12 વનડે, ત્રણ ટી-20 મેચ રમી. વનડે મેચમાં તેમણે કુલ 287 રન કર્યા. 35 વર્ષના મનોજ તિવારીએ ટી20માં 15 બનાવ્યા.

(5:53 pm IST)