મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

પતિને મોં બતાવશો નહીં લખીને પત્નીની આત્મહત્યા

ઈન્દોરની એક કોલોનીની કમનસીબ ઘટના : પ વર્ષ પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ દહેજની માગ કરીને મારઝૂડ કરતો હતો, છૂટાછેડાનો કેસ ચાલતો હતો

ઈન્દોર, તા. ૨૩ : પતિના ત્રાસથી પરેશાન એક પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાત પહેલા મહિલાએ એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણીએ પતિ સામે ઘણા આક્ષેપો કર્યા છે. તેણીએ લખ્યું છે કે 'જીવતી હતી ત્યારે તે પત્નીને સુખ અને શાંતિ આપી શક્યો નહીં, મરી ગયા પછી મારું મોં બતાવશો નહીં'...મારા પતિની સજા છે'. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેક પેલેસ કોલોનીમાં રહેતી કલ્પના નામદેવના લગ્ન વર્ષ પહેલા વિદિશાના નિલેશ નામદેવ સાથે થયા હતા. લગ્ન પછી થોડા દિવસો સુધી પતિ-પત્નીમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી દહેજની માંગ સાથે નિલેશે તેની પત્ની સાથે મારઝુડ કરવાની રૂ કર્યું. તે દહેજમાં પત્નીના પિતાના ઘરની માંગ કરી રહ્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે, પત્નીએ તેના પતિ સામે દહેજનો કેસ દાખલ કર્યો હતો. જેને લઈને બંનેનો છૂટાછેડાને લઈને કોર્ટમા કેસ પણ ચાલી રહ્યો હતો. પતિ સાથેના વિવાદને કારણે કલ્પના સતત તણાવમાં રહેતી હતી. વિદિશાથી તે ઈંદોરમાં તેના પિયરે આવી ગઈ હતી. પિયરમાં આવ્યા બાદ તેણીએ એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણીએ પતિએ આપેલા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો, અને બાદમાં પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. પોલીસે ઘરમાંથી સુસાઇડ નોટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે 'જીવતી હતી ત્યારે તે મને ખુશી આપી શક્યો નહીં, મારા મૃત્યુ પછી તેને મારા અંતિમ દર્શન કરવા દેશો નહીં. પતિ નહીં પરંતુ મારી માતા મને મુખાગ્નિ આપશે. સાથે એમ પણ લખ્યું છે કે, રૂપિયા માણસ કરતા મોટા નથી. હું ખુશીથી આત્મહત્યા કરી રહી છું. તમે બધા તમારું ધ્યાન રાખજો અને મારા પતિને મારું મોં બતાવશો નહીં. તેની સજા છે.'

એરોડ્રોમ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી ઉમાશંકર યાદવે જણાવ્યું હતું કે, આપઘાતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ કબજે કરી છે અને તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(7:40 pm IST)