મુખ્ય સમાચાર
News of Monday, 23rd May 2022

આસામમાં પૂર : અત્‍યાર સુધીમાં ૨૪ લોકોના મોતઃ ૨૨ જિલ્લામાં ૭.૨ લાખથી વધુ લોકો પ્રભાવિત

હાલમાં ૨૦૯૫ ગામો પાણીમાં ગરકાવ

ગુવાહાટી તા. ૨૩ : આસામમાં રવિવારે પૂરની સ્‍થિતિ વધુ વણસી ગઈ અને બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા. રાજયના ૨૨ જિલ્લામાં પાણી ભરાવાને કારણે ૭.૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટીના દૈનિક પૂર અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુર રેવન્‍યુ વિસ્‍તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે હોજાઈ જિલ્લાના ડુબોકામાં એક વ્‍યક્‍તિનું અને કચર જિલ્લાના સિલચરમાં એક બાળકનું પૂરના કારણે મોત થયું હતું. આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્‍ખલનના કારણે મૃત્‍યુઆંક વધીને ૨૪ થઈ ગયો છે.
ઓથોરિટીએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે બરપેટા, વિશ્વનાથ, કચર, દરરંગ, ગ્‍વાલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, જોરહાટ, કામરૂપ, કાર્બી આંગલોંગ વેસ્‍ટ, કરીમગંજ, લખીમપુર, મજુરી, મોરીગાંવ, નાગાંવ, સોનિતપુર અને ઉદલગુરી વગેરેમાં ૧૯,૫૪૦ લોકો અસરગ્રસ્‍ત છે.
નાગાંવ જળબંબાકારને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે જયાં ૩.૪૬ લાખ લોકો મુશ્‍કેલીમાં છે. આ પછી કચરમાં ૨.૨૯ લાખ અને હોજાઈમાં ૫૮ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઓથોરિટીએ કહ્યું કે હાલમાં ૨૦૯૫ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જયારે ૯૫,૪૭૩.૫૧ હેક્‍ટર વિસ્‍તારમાં ઉભા પાક નાશ પામ્‍યા છે.
આસામમાં ભારે પૂર બાદ વાયુસેના દ્વારા મોટાચાયે બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરગ્રસ્‍ત આસામમાં ઘણા ગામોના લોકો એકલા પડી ગયા છે, ખોરાક અને બોટ માટે સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન, મુખ્‍ય પ્રધાન હિમંતા વિશ્વ સરમાએ રવિવારે જણાવ્‍યું હતું કે તેમણે આ પૂર્વોત્તર રાજયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સંબંધિત મુદ્દાઓ પર નવી દિલ્‍હીમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણના અધ્‍યક્ષ અલકા ઉપાધ્‍યાય સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્‍વીટ કર્યું, ‘હું પૂર અને ભૂસ્‍ખલનથી પ્રભાવિત રાષ્ટ્રીય ધોરીમાર્ગોના તાત્‍કાલિક સમારકામ અને વર્તમાન પ્રોજેક્‍ટને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકું છું.

 

(11:44 am IST)