મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

એકનાથ સિંદેને જ મુખ્યમંત્રી બનાવી દો : શરદ પવારે આપી ઉદ્ધવ ઠાકરેને સલાહ

કોંગ્રેસ પણ માની ગયું :મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમને શિંદેનું સમર્થન કરવામાં કોઈ વાંધો નથી, ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે જો બળવાખોર ધારાસભ્યો તેમને કહે કે તેઓ તેમને (ઠાકરે) મુખ્યમંત્રી તરીકે જોવા નથી માંગતા તો તેઓ તેમનું પદ છોડવા માટે તૈયાર છે. ઠાકરેએ કહ્યું કે, તમે સુરત અને અન્ય જગ્યાએથી નિવેદનો કેમ આપી રહ્યા છો? મારી સામે આવો અને મને કહો કે હું મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખના હોદ્દા સંભાળવા સક્ષમ નથી. હું તરત જ રાજીનામું આપીશ. હું મારું રાજીનામું તૈયાર રાખીશ અને તમે તેને રાજભવન લઈ જઈ શકો છો.આ રાજકીય સંકટ વચ્ચે શરદ પવારે એકનાથ સિંદેને મુખ્યમંત્રી બનાવી દેવાની સલાહ આપી છે.

રાજ્યમાં ચાલી રહેલી આ રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપીના વડા શરદ પવાર પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારે બેઠકમાં સલાહ આપી છે કે જો બગાવત નીચે લાવવો હોય તો એકનાથ શિંદેને સીએમ બનાવવાનો નિર્ણય લેવો જોઈએ. આ પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ કહ્યું કે તેમને શિંદેનું સમર્થન કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. દરમિયાન બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. શિંદે આસામના ગુવાહાટીમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો સાથે છે અને પોતાને અસલી શિવસેના ગણાવે છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ ભાજપ સાથે સરકાર બનાવવાની શરત મૂકી છે

(10:31 pm IST)