મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

GST દરોમાં કોઇ ઘટાડો નહિ થાય

અધિકારીઓની સમિતિએ હાથ ઉંચા કરી દીધા : રેડી ટુ ઇટ ફુડ, બ્રાન્‍ડેડ નમકીન, ડેરી પ્રોડકટ સહિત ૧૦૦ થી વધુ વસ્‍તુઓનો દર નહિ ઘટે

નવી દિલ્‍હી, તા.૨૩: જીએસટી પરિષદની આવતા સપ્‍તાહે થનારી બેઠક પહેલા અધિકારીઓની એક સમિતિએ ડેરી ઉત્‍પાદનોથી માંડીને એર કંડિશનર સુધીના કેટલાય મુખ્‍ય ઉત્‍પાદનો પર જીએસટી દર ઘટાડવાની માંગણી ફગાવી દીધી છે. આનાથી સંકેત મળે છે કે સરકારની રાજસ્‍વની હાલત બહુ ખરાબ છે અને દરો ઘટાડવાની રાજસ્‍વને બહુ નુકશાન થઇ શકે છે.

કેન્‍દ્ર અને રાજયોના રાજસ્‍વ અધિકારીઓની ફીટમેંટ કમિટીએ રેડી ટુ ઇટ ફૂડથી માંડીને જલ્‍દી ખરાબ થઇ જતા ફળો, બ્રાંન્‍ડેડ નમકીન, ડેરી ઉત્‍પાદનો, ઇથેનોલ, બાયોડિઝલ, તમાકુ ઉત્‍પાદનો જેવી ૧૦૦ થી વધારે વસ્‍તુઓ પર જીએસટી દર ઘટાડવાની માંગણી ફગાવી દીધી છે. ફીટમેંટ કમિટી અનુસાર, આમાંથી કેટલીક વસ્‍તુઓ ૧૮ ટકા અને ૨૮ ટકાના ઉંચા કર દાયરામાં આવે છે જેમાં કોઇ ફેરફાર નહીં થાય.

જીએસટી પરિષદની બેઠક ૨૮ અને ૨૯ જૂને થશે જેમાં ફીટમેંટ કમિટીની ભલામણો પર વિચાર કરાશે. સમિતિએ ટેટ્રા પેક ઉત્‍પાદનો પરનો વર્તમાન ૧૨ ટકાનો દર વધારીને ૧૮ ટકા કરવાનો પણ પ્રસ્‍તાવ મૂકયો છે. તેણે કટ અને પોલીશ્‍ડ હીરા પર જીએસટીના વર્તમાન ૦.૨૫ ટકાના દરને વધારીને ૧.૫ ટકા કરવાનુ પણ સૂચન કર્યુ છે. જો કે આ પ્રસ્‍તાવો પર અંતિમ નિર્ણય જીએસટી પરિષદની બેઠકમાં લેવાશે. આમાંથી કેટલીક વસ્‍તુઓની યાદી મીનીસ્‍ટર લેવલની કમિટી પાસે વિચારણા હેઠળ છે, જે પરિષદ બહુ જલ્‍દી પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી શકે છે.

સેવાઓ બાબતે સમિતિએ સેવાક્ષેત્ર સાથે સંકળાયેલી ઓછામાં ઓછી ૧૦૦ વસ્‍તુઓ પર દર ઘટાડવાની માંગણી કરી છે, જેમાં સોફટવેર સામાન, હોસ્‍પિટલ દ્વારા ચુકવાયેલ ભાડુ, મુડી બજાર સેકટર, ઓનલાઇન મીડીયા, વાણીજય પરિયોજના, સંપતિ પર બ્રોકીંગ સેવાઓ, દેશમાં વર્ક કોન્‍ટ્રાકટ, વીમા પ્રીમીયમ, ઇલેકટ્રીક વાહન ચાર્જીગ અને બેટરી, વિમાન દ્વારા માલ પરિવહન અને વેપાર મેળામાં ભાગીદારી સામેલ છે.

(11:48 am IST)