મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

શિવસેનાના ધારાસભ્યોની હોટલ બહાર TMCના ધરણાં

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાના પડઘા ગુવાહાટીમાં પડ્યા : આસામ પૂરનો સામનો કરી રહ્યું છે, આ બધી રાજનીતિ મહારાષ્ટ્રમાં થવી જોઈએ એવા અભિપ્રાય સાથે વિરોધ

ગુવાહાટી, તા.૨૩ : મહારાષ્ટ્રના હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામાના પડઘા આસામના ગુવાહાટી ખાતે પડી રહ્યા છે. શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટીની જે હોટેલમાં રોકાયા છે તેના સામે ટીએમસીના નેતાઓ તથા કાર્યકરો ધરણા પર બેસી ગયા છે. તેમના કહેવા પ્રમાણે આસામ હાલ ભયકંર પૂરનો સામનો કરી રહ્યું છે અને અહીં રાજકારણ ચાલી રહ્યું છે. આ બધી રાજનીતિ મહારાષ્ટ્રમાં થવી જોઈએ.

ટીએમસીના એક કાર્યકરે જણાવ્યું કે, આસામના આશરે ૨૦ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા પ્રયત્નો કરવામાં વ્યસ્ત છે.

ગુવાહાટી ખાતેની રેડિસન બ્લુ હોટેલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ ૪૨ ધારાસભ્યો ઉપસ્થિત છે. તેમાં ૩૪ ધારાસભ્યો શિવસેનાના છે જ્યારે ૮ અપક્ષ ધારાસભ્યો છે.

મહારાષ્ટ્રનો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા આજે પણ ચાલુ છે. અન્ય થોડા ધારાસભ્યો પણ શિંદે જૂથમાં ખેંચાઈ ગયા છે જેના કારણે ઉદ્ધવ ઠાકરે વધારે નબળા પડ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ગત રાત્રિના મુખ્યમંત્રી આવાસ ખાલી કરી દીધો હતો અને પરિવાર સાથે પોતાના ઘરે 'માતોશ્રી' જતા રહ્યા હતા.

ઉપરાંત બુધવારના રોજ તેમણે ફેસબુક પર લાઈવ આવીને બળવાખોરોને સીધો મેસેજ આપ્યો હતો કે, પક્ષ સાથે વિશ્વાસઘાત કરવાના બદલે સીધા આવીને વાત કરો. તેમના આ નિવેદન બાદ એકનાથ શિંદેએ ટ્વિટમાં લખ્યું હતું કે, મહાવિકાસ અઘાડી મેળ વગરનું ગઠબંધન છે જેનો અંત લાવવો જોઈએ.

(8:02 pm IST)