અચાનક વરરાજાને લઇને ઘોડી ભાગી ગઇ : જાનૈયા કાર અને બાઇક લઇ ૪ કિમી સુધી પાછળ દોડતા રહ્યા
જયપુર,તા. ૨૩: રાજસ્થાનમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અજમેરની આ ઘટના છે. અહીં એક ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ હતી. જાનૈયાઓ કાર અને બાઈક લઈને ચાર કિલોમીટર સુધી પાછળ પાછળ દોડીને આખરે ઘોડીને પકડી પાડી હતી. આ સમગ્ર મામલાનો વીડિયો સો.મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે.
લગ્ન પ્રસંગમાં અચાનક ફટાકડા ફોડતા ઘોડી નાસવા લાગી હતી. ફટાકડાનો અવાજ સાંભળી ઘોડી તો નાસવા લાગી પણ ઉપર બેઠેલો વરરાજો પણ કારણવગરનો દોડવા મજબૂર બન્યો. જાનૈયાઓએ ડાંસ પડતો મુકીને વરરાજાને શોધવા કાર અને બાઈક લઈને પાછળ પાછળ દોડ્યા હતા. ઘોડી વરરાજાને લઈને નાસી ગઈ હોવાની ખબરે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘોડી વરરાજાને લઈને લગભગ ચાર કિમી સુધી દોડી, અંતે હાંફીને ઊભી રહી. આ દરમિયાન વરરાજાની તબિયત પણ બગડી ગઈ. જો કે, સારી વાત એ છે કે, વરરાજો એકદમ સુરક્ષિત છે. આ ઘટનાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા ડીજે સંચાલકે આખી ઘટના જણાવી હતી.