મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્રના રાયગઢમાં પુરમાં તણાઇ જવાથી પ ના મોત : ૩૦ લાપતા

નરેન્દ્રભાઇ મોદી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરશે : સહાય માટે ખાત્રી આપી

મુંબઇ, તા. ર૩:  મહારાષ્ટ્રના પાટનગર મુંબઇ સિવાય સાંગલી, અકોલા, અમરાવતી, નાગપુર, કોલ્હાપુર સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ છે. રાજ્યની કેટલીક નદીઓ ઓવર ફ્લો થઇ ગઇ છે.સ્થાનીક તંત્રની ટીમો સિવાય વાયુસેના અને એનડીઆરએપની ટીમોને પણ રાહત અને બચાવ માટે ઉતારવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે કેટલાક રૂટો પર ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે.
રાયગઢમાં ભૂસ્ખલનની ચાર ઘટના સામે આવી છે જેને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો છે. રાયગઢ જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ જણાવ્યુ કે હજુ સુધી સ્થાનિક પોલીસે ૧૫ લોકોને બચાવ્યા છે જ્યારે ઓછામાં ઓછા ૩૦ લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. જ્યારે પાંચ લોકોના મોત થયા છેે.
પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર ચર્ચા કરી દરેક સંભવ સહાયતાનો વિશ્વાસ અપાવ્યો હતો. ઠાકરે સાથે ચર્ચા બાદ મોદીએ ટ્વીટ કર્યુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ પર ચર્ચા કરી. સ્થિતિને સુધારવા માટે કેન્દ્ર પાસે દરેક સંભવ સહાયતા આશ્વાસન આપ્યુ. તમામની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરૂ છું.
 પુરને લઇ એનડીઆરએફે ચિખલી ગામને સુરક્ષિત સ્થળો પર પહોચાડ્યુ છે. બીજી રાયગઢના જિલ્લા કલેકટરે કહ્યુ કે કલાઇ ગામમાં ભૂસ્ખલનના સમાચાર છે, તેમાં કેટલુ નુકસાન થયુ છે તેના કોઇ સમાચાર નથી.
મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપી છે કે રત્નાગિરી અને રાયગઢમાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતીય સેના અને નૌ સેનાના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ભારે વરસાદને કારણે પુણેના ભીમાશંકર મંદિરની આસપાસ પણ પુરનો નજારો છે. આ મંદિર દેશના ૧૨ જ્યોતિલિંગોમાંથી એક માનવામાં આવે છે.
રાજ્યના કેટલાક ભાગમાં સતત થઇ રહેલા વરસાદના કહેર બાદ મહારાષ્ટ્ર એલર્ટ પર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જુલાઇએ રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં પુરની સ્થિતિની સમીક્ષા કરી હતી. ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયુ છે. હવામાન વિભાગે કોકણ તટ પર આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યુ છે.

(2:08 pm IST)