મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

રાજકુન્દ્રા વધુ ૪ દિવસ પોલીસ કસ્ટડીમાં : બેન્ક ટ્રાન્જેકશનની તપાસ

મુંબઇ પોલીસે ૭ દિવસની કસ્ટડી માંગતા મુંબઇ કોર્ટે ૪ દિ'ની આપી

મુંબઇ, તા. ર૩ : અશ્લીલ વીડિયો બનાવવા અને તેનો વેપાર કરવાના આરોપી રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી કોર્ટે વધારી દીધી છે. ૨૭ જુલાઇ સુધી રાજ કુંદ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ કુંદ્રાને આ પહેલા કોર્ટે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. મુંબઇ પોલીસે સાત દિવસની કસ્ટડી માંગી હતી પણ કોર્ટે મુંબઇ પોલીસને ચાર દિવસની કસ્ટડી આપી છે.

પોલીસે રાજ કુંદ્રા અને રાયન થોર્પેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા હતા અને સાત દિવસની કસ્ટડી માંગી હતી. પોલીસને શક છે કે અશ્લીલ ફિલ્મ વેપારમાં જે કમાણી કરવામાં આવી છે તેને કુંદ્રા ઓનલાઇન બેટિંગમાં લગાવે છે. રાજ કુંદ્રાના યસ બેન્કના એકાઉન્ટ અને યૂનાઇટેડ બેન્ક ઓફ આફ્રિકાના એકાઉન્ટ વચ્ચે થયેલા ટ્રાન્જેકશનની પોલીસ તપાસ કરવા માંગે છે.

પોલીસ અનુસાર, રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ ૨૧ જુલાઇએ તેને કેટલાક જરૂરી ડેટા ડિલેટ કરી દેવામાં આવ્યા છે. આ ડેટાને રિકવર કરાવવામાં આવશે. આ સિવાય જ્યારે કુંદ્રાને નોટિસ મોકલવામાં આવી ત્યારે તેમના ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હોટસ્ટાર જેવી એપ્સને હટાવી દેવામાં આવી હતી. તેના હટ્યા બાદ કુંદ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતી, જે તેમનો પ્લાન બી હતો, જેની પર એડલ્ટ કંટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતો હતો.

કુંદ્રાનું કહેવુ હતું કે તેમણે આ કંપનીને છોડી દીધી હતી. જોકે, તેમણે કંપનીના દરેક ખર્ચની જાણકારી મળતી હતી, જે લગભગ ૪૦૦૦થી ૧૦૦૦૦ ડૉલર થતુ હતું.

મહત્વપૂર્ણ છે કે સોમવાર મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, તેમની પર અશ્લીલ વીડિયો બનાવી એપ દ્વારા પ્રસારિત કરવા અને તેનો વેપાર કરવાના આરોપ છે. આ મામલે પોલીસે અન્ય એક આરોપી રાયન થોર્પેની પણ ધરપકડ કરી હતી.

મેડિકલ તપાસ બાદ રાજને પોલીસ કમિશનરની ઓફિસમાં લઇ જવામાં આવ્યો હતો અને મંગળવાર બપોરે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાથી તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

(4:06 pm IST)