મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

લાગ્યા મોદી-મોદીના નારા

વોશિંગ્ટન પહોંચ્યા મોદી : એરપોર્ટથી લઇને હોટલ સુધી કરાયું ભવ્ય સ્વાગત : વરસતા વરસાદમાં પણ લોકોએ મોદીની રાહ જોઇ

વોશિંગ્ટન,તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાત માટે આજે વોશિંગ્ટન પહોંચ્યા હતાં. વોશિંગ્ટનમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારીઓ એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ સાથે જ અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ એરપોર્ટ પર હાજર હતા. પીએમ મોદીના આગમનની ખુશીમાં ભારતીય સમુદાયના ૧૦૦ થી વધુ લોકો પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આ મુલાકાતમાં પીએમ મોદી સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને કવાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સિવાય પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા કે તરત જ ભારતીય સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ખાસ વાત એ હતી કે વરસાદ હોવા છતાં ભારતીય-અમેરિકનો પીએમ મોદીની રાહ જોતા રહ્યા. આ લોકોને મળવા માટે પીએમ મોદી ખાસ તેમની કારમાંથી નીચે ઉતર્યા હતા.

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને તેમના વોશિંગ્ટન આગમન અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું, 'વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. આગામી બે દિવસોમાં હું યુએસ પ્રમુખ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિઓ કમલા હેરિસ, સ્કોટ મોરિસન, યોશીહિડે સુગા સાથે મુલાકાત કરીશ. આ સમય દરમિયાન હું કવાડ મીટિંગમાં ભાગ લઈશ અને ટોચની કંપનીઓના સીઈઓને મળીશ અને તેમની સામે ભારતની આર્થિક સિદ્ઘિઓ રજૂ કરીશ.

પીએમ મોદી અને જો બિડેન ભારતીય સમય અનુસાર શુક્રવારે ૨૪ સપ્ટેમ્બરના રોજ મળશે. આ વર્ષે ૨૦ જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે બિડેનની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. તે જ સમયે, કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીનો આ પહેલો મોટો વિદેશ પ્રવાસ છે.

(10:20 am IST)