મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

મમતાને હરાવવા આકાશ પાતાળ એક કરી રહ્યું છે ભાજપા

કેન્દ્રિય પ્રધાનોની ફોજ ઉતરી ભવાનીપુરમાં

કોલકતા, તા.૨૩: પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર ચુંટણીનું વાતાવરણ ગરમ થઇ ગયું છે. રાજયમાં ભવાનીપુર બેઠક માટે થઇ રહેલ પેટાચુંટણીમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને ભાજપા ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા છે. આને ધ્યાનમાં રાખીને બીજેપીએ મુખ્યપ્રધાનને હરાવવા માટે સંપુર્ણ શકિત લગાવી દીધી છે. બુધવારે કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ ભાજપા ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલના સમર્થનમાં ઘરે ઘરે જઇને પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે તેમને આ વિસ્તારમાં ભગવા દળ માટેનું સમર્થન સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પુરીએ સ્થાનિક ગુરૂદ્વારામાં અરદાસ પણ કરી હતી.ઉલ્લેખનિય છે કે ગત વિધાનસભા ચુંટણીમાં ભવાનીપુર વિધાનસભા બેઠક જીતનાર તૃણમૂલ કોંગ્રેસના સોવનદેવ ચટોપાધ્યાયે મમતા બેનર્જી માટે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે રાજીનામુ આપ્યું હતું. તેમના રાજીનામાના કારણે અહીં પેટાચૂંટણી થઇ રહી છે. મમતા નંદીગ્રામ બેઠક પર ભાજપા ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા અને તેમને મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવા માટે પાંચ નવેમ્બર સુધીમાં ચુંટાવુ પડે તેમ છે.ભાજપાએ બુધવારે કહ્યું કે ભવાનીપુર પેટાચુંટણી માટે તેમને મમતા બેનર્જીના નિવાસ સ્થાન પાસે પ્રચાર નહોતો કરવા દેવાયો. ભાજપાના રાજય એકમના પ્રમુખ સુકાંત મજૂમદારે દાવો કર્યો કે તેમને હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર પ્રચાર કરતા રોકવામાં આવ્યા હતા. જે મમતા બેનર્જીના નિવાસ સ્થાન તરફ જાય છે. મમતા પણ આ ચૂંટણીમાં ઉમેદવાર છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલિસને ભાજપાને પ્રચાર કરતા રોકયો કેમ કે તૃણમૂલ કોંગ્રેસને હારવાનો ભય છે.જો કે પોલિસના ડેપ્યુટી કમિશનર આકાશ મધારિયાએ આક્ષેપોનું ખંડન કરતા કહ્યું કે તેમની પાસે રસીકરણ સર્ટીફીકેટ નહોતું અને તેઓ હાઇસીકયોરીટી એરીયામાં દાલ થવાની કોશિષ કરી રહ્યા હતા એટલે તેમને બીજા માર્ગેથી જવાનું ફેરવાયું હતું. ભાજપા સાંસદ જયોતિર્મય સિંહ મહંતો અને મધારિયા વચ્ચે ઘટના સ્થળે રકઝક પણ થઇ હતી.

(10:34 am IST)