મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

ઇન્‍સ્‍ટાગ્રામ ફરી થયું ડાઉનઃ કરોડો યુઝર્સ પરેશાન

લોકો સોશ્‍યલ મીડિયા પર તેની ઉગ્ર ફરિયાદો કરી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૨૩ : ગઇ કાલે રાત્રે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ ફરીથી અચાનક ડાઉન થઈ ગયું, જેના કારણે કરોડો યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેની ઉગ્ર ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઈન્‍સ્‍ટાગ્રામ પ્‍લેટફોર્મ ડાઉન હોવાને કારણે તેમને લોગઈન કરવામાં સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ફીડ પણ રિફ્રેશ નથી થઈ રહ્યું. કેટલાક યુઝર્સને મેસેજિંગમાં પણ સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલીવાર નથી જયારે ઈન્‍સ્‍ટાગ્રામ ડાઉન થયું હોય, આ પહેલા પણ ઈન્‍સ્‍ટા ડાઉન થવાના કારણે યુઝર્સને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો છે.

યુઝર્સે દાવો કર્યો હતો કે ફોટો-વિડિયો શેરિંગ એપ ઇન્‍સ્‍ટાગ્રામ ડાઉન છે અને લોકો એપના ક્રેશનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો ઇન્‍સ્‍ટાનો ઉપયોગ તેમની પ્રાથમિક સંચાર એપ્‍લિકેશન તરીકે કરે છે, જયારે કેટલાક તેના પર નાના વ્‍યવસાયો પણ ચલાવે છે. જયારે એપ ડાઉન હોય ત્‍યારે લોકો માટે તેના ફીચરનો ઉપયોગ કરવો મુશ્‍કેલ બની રહ્યો છે.

કંપનીએ ટ્‍વીટ કર્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને ઇન્‍સ્‍ટાગ્રામનો ઉપયોગ કરવામાં મુશ્‍કેલી આવી રહી છે. અમે તેને શક્‍ય તેટલી વહેલી તકે સામાન્‍ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. તકલીફ માટે માફી ચાહું છું.'

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સમસ્‍યા ઈન્‍સ્‍ટાગ્રામમાં કેટલાક મહિનાઓથી સતત આવી રહી છે. ઇન્‍સ્‍ટાગ્રામ ડાઉન થતાની સાથે જ ટ્‍વિટર પર કોમેન્‍ટ્‍સો શરૂ થઇ જાય છે. ઘણા યુઝર્સે ટ્‍વિટર પર પોતાની ફરિયાદ શેર કરી છે. ઇન્‍સ્‍ટાગ્રામ યુઝર્સે ટ્‍વિટર પર હેશટેગ #InstagramDown રોલ આઉટ કરવાનું શરૂ કર્યું, જે માઇક્રોબ્‍લોગિંગ પ્‍લેટફોર્મ પર ટ્રેન્‍ડ કરી રહ્યું છે.

ટ્‍વિટર પર એક યુઝરે કહ્યું કે @instagram જયારે હું તેને ખોલવાનો પ્રયાસ કરું છું ત્‍યારે એપ ક્રેશ થઈ જાય છે અને મારા ફોનની હોમ સ્‍ક્રીન પર પાછી જાય છે. એટલા માટે હું Twitter પર આવ્‍યો હતો કે શું Instagram એપ ડાઉન છે.

(10:16 am IST)