મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં કાયદાનો ધજાગરો

સરકારની ઝાટકણી કાઢતી કેરળ હાઇકોર્ટ

નવી દિલ્‍હી, તા.૨૨: કેરળમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં લોકોના ટોળા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ આ અભિયાનના ઘણા વીડીયો જાહેર કરી રહી છે, જેમાં હજારો લોકો પગપાળા ચાલતા દેખાઇ રહ્યા છે. ભારત જોડો યાત્રાથી સામાન્‍ય લોકોને તો મુશ્‍કેલીનો સામનો કરવો જ પડે છે તેના સિવાય આ દરમ્‍યાન નિયમો અને કાયદાના પણ ધજાગરા ઉડી રહ્યા છે. કેરળ હાઇકોર્ટે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાબતે વાંધો ઉઠાવ્‍યો છે.

કેરળમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા જે રસ્‍તાઓ પરથી પસાર થઇ રહી છે, ત્‍યાંનો નજારો બદલાયેલો દેખાઇ રહ્યો છે. નેશનલ હાઇવે પર મોટા મોટા ઝંડા, પોસ્‍ટર અને બેનરો દેખાઇ રહ્યા છે. યાત્રા દરમ્‍યાન ટ્રાફીકને અડચણ થાય છે. તેમ છતાં રાજય સરકાર કોઇ પગલા નથી લઇ રહી. એટલે હવે આ મામલો કોર્ટમાં પહોંચ્‍યો છે. કેરળ હાઇકોર્ટે આ મામલાની સુનાવણી દરમ્‍યાન રાજય સરકારને આડા હાથે લીધી અને ગંભીર સવાલો ઉઠાવ્‍યા, જેના  જવાબ પ્રશાસનિક અધિકારીઓ પાસે નહોતા.

કેસની સુનાવણી જસ્‍ટીસ દેવન રામચંદ્રન સીંગલ બેંચ કરી રહી હતી. કોર્ટે કહ્યું, ત્રિવેન્‍દ્રમ થી ત્રિસુર અને તેની આગળ સુધી નેશનલ હાઇવે પર એક ખાસ રાજકીય પક્ષ દ્વારા ઘણી ગેરકાયદે વસ્‍તુઓ સ્‍થાપિત કરાઇ છે. પોલિસ અને અન્‍ય અધિકારીઓને તેની જાણ છે પણ તેમણે આંખો બંધ રાખવાનું નક્કી કર્યુ છે. કોર્ટને માહિતી અપાઇ છે કે એક ખાસ પક્ષે કેરળમાં રેલી દરમ્‍યાન મોટી સંખ્‍યામાં બોર્ડ, બેનર અને ઝંડા ગેરકાયદેસર રીતે લગાવ્‍યા છે.

કોર્ટે કહ્યું કે હાઇવે પર લગાવાયેલ ઝંડા અને પોસ્‍ટરો મોટી પરેશાની અને અકસ્‍માતોનું કારણ બની શકે છે. હાઇવે પર વાહનો ભારે ઝડપે ચાલતા હોય છે, ત્‍યારે જો મોટા-મોટા ઝંડા અને પોસ્‍ટરો લોકોનું ધ્‍યાન ખેંચે તો અકસ્‍માતની શકયતાઓ બહુ વધી જશે. જો કોઇ પોસ્‍ટર પવનના કારણે રોડ પર નમી જાય તો મોટો અકસ્‍માત થઇ શકે છે. ખાસ કરીને બે પૈડા વાળા વાહનો માટે આ બહુ ખતરનાક સ્‍થિતી છે.

(1:44 pm IST)