મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

પાકિસ્તાનમાં લઘુમતી સમાજમાંથી આવતી છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે: યુનોમાં બિલાવલના આક્ષેપોનો ભારત દ્વારા તમતમતો જવાબ: ઠેર ઠેર ચર્ચા

નવી દિલ્હી ; સંયુક્ત રાષ્ટ્રની ૭૭ મી મહાસભામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના ભાષણનો જવાબ આપતા ભારતે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું છે.
ભારતે કહ્યું કે પાકિસ્તાનમાં વ્યાપકપણે માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા લઘુમતીઓના અધિકારો વિશે વાત કરવી એ વિડંબનાઓથી કમ નથી.
બુધવારે ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના ભાષણ પર જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને આ નિવેદન આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સંયુક્ત સચિવ શ્રીનિવાસ ગોત્રુએ લઘુમતીઓ પરની ઉચ્ચસ્તરીય બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, "આ વિડંબનાની વાત છે કે પાકિસ્તાન લઘુમતીઓના અધિકારોની વાત કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોનું ભારે હનન થઈ રહ્યું છે.પાકિસ્તાનમાં લઘુમતી સમાજમાંથી આવતી છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.આવી સ્થિતિમાં પાકિસ્તાનને લઘુમતીઓના અધિકારોની વાત કરતી જોવી એ ભારે રોચક, રસપ્રદ વાત છે. "
યુનોમાં ભારત દ્વારા  પાકિસ્તાનને અપાયેલા 'તમતમતા જવાબ',ની ભારે ચર્ચા થઈ રહી છે.

(7:46 pm IST)