મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

પતિ પર નપુંસકતાનો ખોટો આરોપ લગાવ્યો એ ક્રુરતા સમાન છે : કોર્ટે પત્નીનો આરોપ ફગાવ્યો

હાઇકોર્ટે છુટાછેડા આપવાના નીચલી અદાલતના ફેંસલાને યથાવત રાખ્યો

નવી દિલ્હી,તા. ૨૩: કયારેક પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલી હદ સુધી વણસી જાય છે કે, મામલો કોર્ટના દ્વારે આવીને ઊભો રહે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. પતિ પર નપુંસકતાનો ખોટો આરોપ લગાવવો એ ક્રુરતા બરોબર છે એવું દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલત તરફથી એક વ્યકિતને છુટાછેડા આપવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ વ્યકિતની પત્નીએ એક એવો દાવો માંડ્યો હતો કે, પતિ શારીરિક સંબંધ બનાવવામાં સક્ષમ નથી.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનમોહન અને ચીફ જસ્ટિસ સંજીવ નરૂલા સચદેવાની બેન્ચે આ કેસમાં પોતાની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, પત્ની તરફથી લગાવવામાં આવેલો ખોટો આરોપ ખૂબ જ ગંભીર છે. જેનાથી કોઈ પણ વ્યકિતના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. ફેમિલી કોર્ટે આપેલા ચૂકાદામાં કોઈ ભૂલ નથી. એમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકાય. બેન્ચે પત્નીએ કરેલી એક અપીલની અરજી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટની બેન્ચે એક એવી પણ સ્પષ્ટતા કરી કે, આ બંને વ્યકિત ઘણા સમયથી અલગ રહે છે અને ફેમિલી કોર્ટને જાણવા મળ્યું છે કે,એમની વચ્ચે ફરીથી સંબંધ બંધાય એ શકય નથી. બેન્ચે કહ્યું કે, સમગ્ર સુનાવણીમાં પત્નીએ પતિને નપુંસક કહ્યો છે. જયાર તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ વ્યકિત ખૂબ સામાન્ય હતો. આવો ખોટો આરોપ પતિને અંદરથી હચમચાવી શકે છે. મોટી ઠોકર મારી શકે છે. જોકે, જયારે સૌ પ્રથમ ફેમિલી કોર્ટ સમક્ષ આ કેસ આવ્યો ત્યારે કેસ સંબંધીત તમામ ડોકયુમેન્ટ તપાસીને પ્રક્રિયા કરવામાં આવી હતી.

સૌ પ્રથમ આ કેસમાં પતિએ પત્ની સામે છૂટાછેડા લેવા માટેની અરજી કરી હતી. એ સમયે તેણે એવું કહ્યું હતું કે, પત્ની શારીરિક સુખ આપતી નથી. આ માટે તે છૂટાછેડાની અરજી કરી રહ્યો છે. જેના જવાબમાં પત્નીએ કહ્યું કે, એનો પતિ નપુંસક છે. આ કારણે તે શારીરિક સંબંધ તે બાંધી શકતો નથી. આ કેસમાં ફેમિલી કોર્ટે છૂટાછેટા માટેની મંજૂરી આપી દીધી છે. જેને લઈને પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

(10:05 am IST)