મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

કોરોનાને બેકાબુ બનતો અટકાવવો જરૂરી

રાજકોટમાં બે દિ'માં ૧૨૬ કેસ : ૯ના મોત : સુપર સ્પ્રેડરોની ટેસ્ટીંગ ઝુંબેશ

એરપોર્ટ - રેલવે સ્ટેશને મુસાફરોનો કોરોના ટેસ્ટ : શાકભાજી - ફેરિયા - દૂધ - કરિયાણા અને રેશનીંગના વેપારીઓના ટેસ્ટીંગ કેમ્પ : આજે નવા ૩૫ કેસ : કુલ ૧૦૨૩૪ કેસ સામે ૯૩૩૩ સાજા થયા : શહેરમાં ૮૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૬૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન : હજુ પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે તાકીદના પગલા લેવાનુ શરૂ થઇ ગયું છે : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૨૧ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઇકાલથી આજે બપોર સુધીમાં નવા ૧૨૬ કેસ નોંધાયા છે અને છેલ્લા ૪૮ કલાકમાં ૯ વ્યકિતઓના કોરોનાથી મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર થયું છે.

શહેર - જિલ્લામાં ગઇકાલે ૫ અને આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૪ એમ કુલ ૯ વ્યકિતઓના મૃત્યુ નોંધાયા છે.

મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઇકાલે ૯૧ કેસ હતા. આથી આજ સુધીમાં કુલ ૧૦૨૩૪ કેસ થયા છે તેની સામે ૯૩૩૩ વ્યકિતઓ સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ ૯૧.૫૦ ટકા જેટલો થઇ ગયો છે. જો કે પોઝિટિવિટી રેટ ૨.૪૭ ટકા જેટલો યથાવત છે.

દરમિયાન રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૪ વ્યકિતઓના કોરોનાને કારણે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.

આજની સ્થિતિએ શહેરમાં ૮૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થયા છે. જેમાં બ્રહ્મકુંજ સોસાયટી, જનતા સોસાયટી, આશુતોષ સોસાયટી, એરપોર્ટ રોડ, સ્ટાર રેસીડન્સી, સાધુ વાસવાણી રોડ, ગુજરાત સોસાયટી, પેડક રોડ, રઘુવીર પાર્ક, કુવાડવા રોડ, રાધે ક્રિષ્ના સોસાયટી, કિશાનપરા ચોક વિગેરે વિસ્તારોનો સમાવેશ છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તાર ૧૬૯ કન્ટેન્ટમેન્ટ ઝોન થયા છે. આજે કુલ ૨૯૮૦૯૫૫ ઘરોમાં સર્વે કરાયેલ જેમાંથી માત્ર ૯ને શરદી - તાવના લક્ષણો જોવા મળેલ. અત્યાર સુધીમાં ૪૧૧૪૯૪ ટેસ્ટીંગ થયા છે.

સુપર સ્પ્રેડરોનું ચેકીંગ

દરમિયાન મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ હજુ નિયંત્રણમાં છે ત્યારે આ સ્થિતિ બેકાબુ બનતી અટકાવવા તમામ પગલાઓ લેવાનું શરૂ કરી દેવાયું છે.

હવે શહેરમાં કોરોના સુપર સ્પ્રેડરો ગણાતા શાકભાજીના અને દૂધના ફેરિયાઓ, વેપારીઓ, કરિયાણા અને રેશનીંગના વેપારીઓ, ડીલેવરીમેન વગેરેના કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજવાનું શરૂ કરાશે.

આ ઉપરાંત રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ઉપર આ બંને સ્થળે મુસાફરોના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેમ મ્યુ. કમિશનરે જણાવેલ.

કોરોનાની બીજી લહેરમાં મ.ન.પા.ના અધિકારી સંક્રમિત : ડે.કમિશનર

રાજકોટ : શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે ત્યારે મ.ન.પા.ના અધિકારીઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે. આજે મ.ન.પા.માં અત્યંત મહત્વની જવાબદારી સંભાળતા ડે. કમિશનર ચેતન નંદાણીનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે અને સાથી કર્મચારીઓમાં ચિંતા ફેલાઇ છે.

કુરિયર ડિલેવરીમેન  સંક્રમિત થતા ચિંતાનું મોજુ

રાજકોટ : કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે ત્યારે હવે કુરિયરના ડિલેવરીમેન સંક્રમિત થવા લાગતા ભારે ચિંતા છવાઇ છે. વિજય પ્લોટમાં એક ડિલેવરીમેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ડિલેવરીમેનોનો ટેસ્ટીંગ કેમ્પ યોજવો જોઇએ તેવી લાગણી લોકોમાં ઉભી થઇ છે.

(3:29 pm IST)