મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

કોમેડિયન ભારતી સિંહ અને સ્ક્રીનરાઈટર પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા

હર્ષ અને ભારતની જામીન મળતા રાહત થઈ : ભારતી-હર્ષના ઘર તેમજ પ્રોડક્શન હાઉસ ઉપર NCBએ રેડ કરતાં કુલ ૮૬.૫ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો

મુંબઈ,તા.૨૩ : કોમેડિયન ભારતી સિંહ અને સ્ક્રીનરાઈટર પતિ હર્ષ માટે રાહતના સમાચાર છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આજે (૨૩ નવેમ્બર) ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના જામીન મંજૂર કર્યા છે. શનિવારે સાંજે ભારતી સિંહની ધરપકડ થઈ હતી જ્યારે લગભગ ૧૫ કલાકની પૂછપરછ બાદ રવિવારે સવારે તેના પતિ હર્ષની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ પ્રમાણે, ૧૫,૦૦૦ રૂપિયાના બેલ બોન્ડ ભર્યા પછી બંનેના જામીન માન્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ભારતી અને હર્ષને કોર્ટે ૪ ડિસેમ્બર સુધી ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એનડીપીએસ એક્ટ હેઠળ ભારતી અને હર્ષ સામે ગાંજો રાખવાનો અને તેના ઉપયોગ કરવાનો ગુનો નોંધાયો હતો. ભારતીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ સમક્ષ કબૂલ્યું હતું કે તે ગાંજો ફૂંકે છે. સાથે જ તેનો પતિ હર્ષ ગાંજો ખરીદીને લાવે છે તેમ કહ્યું હતું. ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના સુપરવિઝન હેઠળ એનસીબીની ટીમે શનિવારે વર્સોવા ખાતે આવેલા હર્ષના પ્રોડક્શન હાઉસમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી તેમને ૬૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યાર બાદ હર્ષ અને ભારતીના અંધેરી સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી ૨૧.૫ ગ્રામ ગાંજો અને ૧.૪૯ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. હર્ષે સ્વીકાર્યું હતું કે તે ગાંજો રાખે છે અને તેનું સેવન પણ કરે છે. સાથે જ ગાંજો મેળવવા ડ્રગ પેડલરના સંપર્કમાં હોવાનું પણ કબૂલ્યું હતું.

(7:29 pm IST)