મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

સમયસર પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ ગંભીર થતી જશેઃ WHO

કોરોનાનો બીજો તબક્કો વધુ ભયાનક ન બને તે માટે સરકારે અને પ્રજાએ સાથે મળીને કોરોના સામે લડવું જોઈએ : અમેરિકામાં કોરોનાના નવા ૧,૭૭,૫૫૨ કેસ, વધુ ૧૪૪૮નાં મોત : મેકિસકોમાં કોરોનાથી એક લાખનાં મોતઃ જાપાનમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૦૮ કેસ, સતત ચોથા દિવસે કેસમાં ઊછાળો

નવી દિલ્હી,તા. ૨૩: અમેરિકા અને યુરોપ હજુ તો કોરોનાની બીજી લહેરના મારમાંથી બેઠા પણ નથી થયા ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ દુનિયાને ખાસ કરીને યુરોપના વિકસિત દેશોને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે.

વૈશ્વિક સંસ્થાએ ભારપૂર્વક કહ્યું છે કે કોરોના વાઈરસનો પ્રસાર રોકવા માટે યુરોપીયન દેશોએ પર્યાપ્ત ઉપાય નથી કર્યા, તેના કારણે યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે. ભારતમાં પણ તહેવારોના સમયમાં પ્રજાની બેદરકારી અને સરકારની નરમાઈને પગલે કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

લોકો સાવધાની નહીં રાખે અને સરકારો કડક વલણ નહીં દાખવે તો સમગ્ર વિશ્વ ફરી એક વખત લોકડાઉન તરફ ધકેલાઈ શકે છે, જે ફરીથી બેઠા થતાં અર્થતંત્રો પર પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશેષ દૂત ડેવિડ નાબરોએ કહ્યું કે હજી પણ સમય છે, કોરોના મહામારીને રોકવા માટે આકરાં પગલાં લેવામાં નહીં આવે તો ૨૦૨૧ની શરૂઆતમાં દુનિયાએ ખાસ કરીને યુરોપના દેશોમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર આવી શકે છે.

નાબરોએ ઉમેર્યું હતું કે ઊનાળાના સમયમાં યુરોપીયન દેશો કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં નિષ્ફળ ગયા છે. આથી દુનિયાએ કોરોના વાઈરસની બીજી લહેરના પ્રકોપનો સામનો કરવો પડયો છે. યુરોપીયન દેશો હજુ પણ કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું નહીં કરી શકે તો આગામી વર્ષની શરૂઆતમાં તેમણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે.

યુરોપમાં કોરોનાની બીજી લહેર વચ્ચે નવા કેસોમાં સતત ઊછાળો આવી રહ્યો છે. જર્મની અને ફ્રાન્સમાં સંયુકતરૂપે ૩૩,૦૦૦ નવા કેસ સામે આવ્યા છે. સ્વીટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ દૈનિક હજારો કેસ સામે આવી રહ્યા છે. તુર્કીમાં એક દિવસમાં વિક્રમી ૫,૫૩૨ નવા કેસ નોંધાયા છે. આવી પરિસ્થિતિમાં સરકાર અને વેપારીઓને અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે.

યુરોપના અનેક દેશોમાં નોન-ફૂડ રિટેલર્સ માટે કુલ વાષક વેચાણમાંથી ૨૦થી ૫૦ ટકા જેટલું વેચાણ બ્લેક ફ્રાઈડે પ્રમોશનથી ક્રિસમસ અને નવા વર્ષના ચાર સપ્તાહમાં થાય છે. પરંતુ, ૨૦૨૦માં તહેવારના આ સમયમાં યુરોપીયન દેશોમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યા છે. સમગ્ર યુરોપમાં રિટેલર્સે શોપિંગ માટે સૌથી મહત્વના આ સમયમાં લોકડાઉન ઉઠાવવા માટે સરકારોને વિનંતી કરી છે.

માર્ચમાં કોરોનાનો પ્રસાર વધતા બે મહિનામાં યુરોઝોનમાં રીટેલ વેચાણ ૨૧ ટકા જેટલું ઘટયું હતું, જે લોકડાઉન ઉઠાવી લેવાતાં ઝડપથી વધ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરથી રિટેલ વેચાણમાં ફરી દ્યટાડો શરૂ થયો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારો લોકોના જીવ બચાવવા કે અર્થતંત્ર બચાવવાની અવઢવમાં સપડાઈ છે.

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોન્સન બ્રિટનના બીજી ડિસેમ્બરે પૂરા થતાં બીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવા અંગે સોમવારે જાહેરાત કરે તેવી સંભાવના છે. જોકે, તેઓ દેશ માટે ટાયર સિસ્ટમને વધુ મજબૂત કરે તેવી સંભાવના છે.

બ્રિટીશ મંત્રી રીશી શૌનકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન જહોન્સન સોમવારે સંસદ સમક્ષ ૨જી ડિસેમ્બરથી એક મહિના લાંબા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની તેમજ ટાયર સિસ્ટમ એટલે કે કોરોનાના કેસ વધુ હોય ત્યાં નિયંત્રણો મૂકવા અને અન્ય વિસ્તારોમાં છૂટછાટ આપવાની સિસ્ટમમાં પુનઃપ્રવેશની યોજનાઓ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. દરમિયાન અમેરિકામાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧,૭૭,૫૫૨ કેસ નોંધાયા છે અને વધુ ૧,૪૪૮નાં મોત નીપજયાં છે.

આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૧,૨૦,૮૮,૪૧૦ને  પાર થઈ ગયા છે જયારે મૃત્યુઆંક ૨,૫૫,૮૬૧ થયો છે તેમ જહોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલમાં જણાવાયું છે. છેલ્લા બે સપ્તાહમાં દૈનિક ૧,૦૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા. મેકિસકોમાં પણ કોરોનાથી મૃત્યુઆંક ૧,૦૦,૦૦૦ના પાર થયો. એક લાખથી વધુ મોત થયા હોય તેવો વિશ્વનો ચોથો દેશ બન્યો. દક્ષિણ કોરિયામાં પણ સતત ત્રીજા દિવસે કોરોનાના ૩૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે.

આ સાથે દક્ષિણ કોરિયામાં કોરોનાના કુલ કેસ ૩૦,૭૩૩ થયા છે તેમ કોરિયાની ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (કેડીસીએ)એ જણાવ્યું હતું. જાપાનમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત ચોથા દિવસે વિક્રમી ઊછાળો આવ્યો હતો. જાપાનીસ સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ જાપાનમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૦૮ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ ૧,૩૦,૮૯૧ થયા છે અને વધુ ૧૧નાં મોત સાથે મૃત્યુઆંક ૧,૯૮૭ થયો છે. કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૮૮ નવા કેસ નોંધાયા છે.

(3:35 pm IST)