મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

પ્રજાસત્તાક પરેડમાં ૧૬ સૈન્ય કૂચ, ૨૫ ઝાંખી અને ૧૭ લશ્કરી બેન્ડ સામેલ થશે.

રાજપૂત રેજિમેન્ટ, અસમ રેજિમેન્ટ, જમ્મુ-કાશ્મીર, શીખ સહિતની રેજિમેન્ટની પરેડ થશે. પેરાશૂટ રેજિમેન્ટ પણ હશે: વિવિધ રાજ્યોની ૨૫ સાંસ્કૃતિક ઝાંખીનું પણ પ્રદર્શન થશે

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય લશ્કરની વિવિધ રેજિમેન્ટ ભાગ લેશે. એ ઉપરાંત હેલિકોપ્ટર, ટેન્ક, લડાકુ વિમાનો, મિસાઈલો સહિતના શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. ભારતીય લશ્કરની વિવિધ ટૂકડીઓ માર્ચ યોજશે. વિવિધ રાજ્યોની ૨૫ સાંસ્કૃતિક ઝાંખીનું પણ પ્રદર્શન થશે. સૈન્યના એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી

૨૬મી જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક પરેડમાં ૧૬ સૈન્ય કૂચ, ૨૫ ઝાંખી અને ૧૭ લશ્કરી બેન્ડ સામેલ થશે. ઈન્ડિયન આર્મીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આર્મી, નેવી અને એરફોર્સની વિવિધ ટૂકડીઓ સૈન્ય પરેડમાં ભાગીદાર બનશે. સશસ્ત્રદળો, કેન્દ્રીય અર્ધલશ્કરી દળ, દિલ્હી પોલીસ, એનસીસી, રાષ્ટ્રીય સેવા યોજના, કેન્દ્રીય રીઝર્વ ફોર્સ, કેન્દ્રીય ઔદ્યોગિક પોલીસ દળ, સશસ્ત્ર સીમા દળ, ભારતીય કોસ્ટગાર્ડ, બીએસએફ સહિતના દળોની પરેડ યોજાશે.

ભારતીય લશ્કરની વિવિધ રેજિમેન્ટને પણ પરેડમાં સામેલ કરવામાં આવી  છે. રાજપૂત રેજિમેન્ટ, અસમ રેજિમેન્ટ, જમ્મુ-કાશ્મીર, શીખ સહિતની રેજિમેન્ટની પરેડ થશે. પેરાશૂટ રેજિમેન્ટ પણ સામેલ થશે. ૧૭ સૈન્ય બેન્ડ યોજાશે. પાઈપ અને ડ્રમ બેન્ડ એમાં ભાગીદાર થશે. આ વર્ષની પરેડમાં બે પરમવીર ચક્ર અને એક અશોક ચક્ર વિજેતા હિસ્સેદાર બનશે.
પરેડના કાર્યક્રમો ૨૬મી જાન્યુઆરીએ ૧૦.૩૦ વાગ્યે શરૃ થશે અને ૧૨ વાગ્યે પૂર્ણ થશે. વિવિધ શસ્ત્રો સાથે ભારતીય લશ્કર શક્તિપ્રદર્શન પણ કરશે. જેમાં એક સેચુરિયન ટેન્ક, બે એમબીટી અર્જુન એમકે આઈ ટેન્ક, લડાકુ વિમાનો, લાઈટ હેલિકોપ્ટર્સ, ઈલેક્ટ્રોનિક વોર સિસ્ટમ, મિસાઈલો વગેરેનું પ્રદર્શન થશે. પરેડમાં એક ઘોડેસવારી ટૂકડી પણ આકર્ષણ જમાવશે.

(12:15 am IST)