મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

દેશમાં કોરોના વાયરસના ૩ લાખ ૩૩ હજાર ૫૩૩ નવા કેસ આવ્યા

દેશમાં કોરોનાથી સતત બીજા દિવસે સામાન્ય રાહત : એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૧ લાખ ૮૭ હજાર ૨૦૨૫ : મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૪ લાખ ૮૯ હજાર ૪૦૯ થઈ ગઈ છે

નવી દિલ્હી, તા.૨૩ : દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં કાલ કરતા આજે ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩ લાખ ૩૩ હજાર ૫૩૩ નવા કેસ સામે આવ્યા છે અને ૫૨૫ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે ૧૭.૭૮ ટકા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.

કેન્દ્રીય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૧ લાખ ૮૭ હજાર ૨૦૨૫ થઈ ગયા છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૪ લાખ ૮૯ હજાર ૪૦૯ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે કાલે બે લાખ ૫૯ હજાર ૧૬૮ લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી ૩ કરોડ ૬૫ પલાખ ૬૦ હજાર ૬૫૦ લોકો સંક્રમણથી મુક્ત થયા છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના ૧૬૧ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે ૭૧ લાખ ૧૦ હજાર ૪૪૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી રસીના ૧૬૧ કરોડ ૯૨ લાખ ૮૪ હજાર ૨૭૦ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

કોરોનાના સૌથી સંક્રામક સ્વરૂપ ઓમિક્રોન હવે ત્રણ ભાગમાં વિભાજીત થઈને વધુ શક્તિથી ફેલાવા લાગ્યો છે. ઓમિક્રોનના સબ-વેરિએન્ટ બીએ.૧, બીએ.૨, અને બીએ.૩ છે, જેમાંથી બીએ.૨ સબ-વેરિએન્ટ વિશ્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જલદી બીએ.૨ સબ-વેરિએન્ટ વિશ્વમાં ઓમિક્રોનના મૂળ સ્વરૂપની જગ્યા લઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનના મુકાબલે બીએ.૨ વધુ સંક્રામક છે તેથી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ તેને તપાસની શ્રેણીમાં રાખી દીધો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ સબ-વેરિએન્ટ રસીના પ્રભાવ અને વાયરસના અન્ય સ્વરૂપોને પણ માત આપી શકે છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યુ કે વિશ્વભરમાં બીએ.૨ ના આશરે ૮ હજાર નવા કેસ આવ્યા છે. ભારત અને ફિલીપીન્સની સાથે ડેનમાર્ક અને જર્મનીમાં તેના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ વાયરસના નવા સ્વરૂપ પર નજર રાખી રહી છે.

સારી વાત છે કે બીએ.૨ ની ઓળખ સરળ હશે કારણ કે તેમાં સ્પાઇક-એસ જીન નહીં હોય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જીનોમ સિક્વેન્સિંગની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટથી તેની ઓળખ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ માટે જીનોમ સિક્વેન્સિંગનો સહારો લેવામાં આવે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રોનના ત્રણ સ્વરૂપ બીએ.૧, બીએ.૨ અને બીએ.૩ છે. પરંતુ બીએ.૨ સ્વરૂપ ઝડપથી ઓમિક્રોનના મૂળ સ્ટ્રેનની જગ્યા લઈ રહ્યું છે. એચએસએનું કહેવું છે કે તે જાણકારી મેળવવી સંભવ નથી કે આ રૂપની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે.

(7:58 pm IST)