મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

ભાજપ ગોવામાં ચૂંટણી નહીં જીતે : ભાજપે જમીન અને ડ્રગ્સ માફિયાઓને ટિકિટ આપી : સંજય રાઉત

શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે ભાજપ માટે ચોંકાવનારો દાવો કર્યો

મુંબઈ :  ગોવા ચૂંટણીમાં ભાજપ આંતરિક સમસ્યાઓના કારણે પરેશાન છે. ટિકિટને લઈને પાર્ટીમાં અસંતોષ છે ત્યારે ગોવામાં એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહેલી શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે ભાજપ માટે ચોંકાવનારો દાવો કર્યો છે.

રાઉતે કહ્યુ છે કે, હું લખીને આપવા માટે તૈયાર છું કે ભાજપ ગોવામાં ચૂંટણી નહીં જીતે. ભાજપે જમીન અને ડ્રગ્સ માફિયાઓને ચૂંટણીમાં ટિકિટ આપી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવાના પૂર્વ સીએમ મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરિકર તેમજ ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસકર પાર્ટી છોડવાની જાહેરાત કરી ચુકયા છે.

સંજય રાઉતે જોકે આ પહેલા કોંગ્રેસે શિવસેના સાથે ગઠબંધન નહીં કર્યુ હોવાથી તેના પર પણ નિશાન સાધીને કહ્યુ હતુ કે, રાહુલ અને પ્રિયંકા ગાંધી પાસે એકલા ચૂંટણી લડવાનો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે તે ખબર પડતી નથી.કોંગ્રેસને એવુ લાગે છે કે, એકલા હાથે તેઓ આ ચૂંટણી જીતી શકશે તો તે તેમની ભુલ છે.

(9:46 pm IST)