મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

દિલીપ સંઘાણી વ્યકિત એક, વિશેષતા અનેક : રાષ્ટ્રીય કક્ષાએ અમરેલીનો ડંકો વગડાવ્યો

મહેન્દ્ર બગડા, વર્ણવે છે ઇફકોના ચેરમેનના જીવનની અદ્ભૂત ઉજ્જવળ બાજુઓ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેની ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની આત્મીયતાની ઓળખ કરાવતી તસ્વીરી ઝલક

રાજકોટ, તા. ર૪ : નામ દિલીપભાઈ નનુભાઈ સંઘાણી, મુળ ગામ માળીલા. કામ સમાજસેવા, રાજનીતી, યુવાનીમાં અન્યાય સામે બળવો, કટોકટીમાં મીસામાં જેલમાં બંધ, ભાજપના સ્થાપક સભ્ય ગણી શકાય તેવા .ભદ્ર અને મીતભાષી દિલીપભાઈ સંઘાણીને માત્ર એક જ માણસ કહી શકે છે, કેમ છો દિલીપ કુમાર...

અને આ કહેનાર હાલ ભારતના વડાપ્રધાન છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી  દિલીપ સંધાણીના દશકો જુના અંતરંગ મીત્ર છે. જ્યારે તેમણે ગુજરાત છોડ્યું. ત્યારે પ્રથમ હિમાચલ પ્રદેશ અને ત્યાર બાદ દિલ્હીમાં વસવાટ કરેલો. દિલ્હી જેવા  શહેરમાં કયાં રહેવું  તેની ગડમથલ વચ્ચે દિલીપ સંઘાણીએ પોતાનુ સાંસદ તરીકેનુ કવાર્ટર કહેતા બંગલો મોદીને સોંપી દીધો હતો. લગભગ સાત વર્ષ મોદી  દિલ્હીમાં રહ્યાં. કેશુભાઈ પટેલ સાથે દિલીપ સંઘાણીને વાંધો પડ્યો અને મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદે બીરાજ્યામાં એમાં ગણ્યાં ગાંઠ્યા લોકોનો જે સહયોગ હતો તેમાં દિલીપ સંધાણી પણ હતા. આ બધી વાતો જે દિલીપ સંઘાણીના સીધા પરીચયમાં નથી તેના માટે. બાકી દિલીપ સંઘાણીની હેસિયત અને રાજકીય કદ શું છે તે રાજનીતીને સમજનાર તમામ લોકો તેનાથી વાકેફ છે. નરેન્દ્રભાઇ મોદી  સાથે ગુજરાતથી દિલ્હી જનાર અનેક લોકો ફોટો પડાવે છે. મોદી  ફોટા બાબતે ખુબ ચોક્કસ છે. એક અંતરે ઉભા રહેવાનુ. કોઈ મોઢા પર હાવભાવ નહી. પછી તે યોગી હોય કે રાષ્ટ્રપતી. મોદી  સાથે ફોટો પડાવતી વખતે એક ડિસીપ્લીન હોય છે. પરંતુ આ લેખની સાથે રહેલા ફોટા પરથી એ સમજી શકાય છે કે મોદી ને દિલીપ સંધાણી કેટલા પસંદ છે, ફોટો પડાવતી વખતે મોદીએ દિલીપભાઈનો હાથ કોણીથી પકડી રીતસરની સંબંધોની ઉષ્મા વ્યકત કરી છે. તેમ પત્રકાર મહેન્દ્ર બગડા લખે છે  સહકારી ક્ષેત્રે દિલીપ સંધાણીની કોઠાસુઝ અને અગમ દ્રષ્ટ્રી એટલી કે અમરેલી જીલ્લાની ટોપની બેંક અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અનેક શાખાઓ હાલ રાષ્ટ્રીય બેંકોને ટક્કર મારી રહી છે. ઉપરાંત અમરેલી જીલ્લાને સદીઓ સુધી સીધો ફાયદો કરાવનાર અમર ડેરીની સ્થાપના કરી. અમર ડેરીએ આગામી વર્ષોમાં સૌરાષ્ટ્રની અમુલ બની રહેશે. લાખો પશુપાલકો અને ખેડુતોને અત્યારથીજ તેનો સીધો લાભ મળી રહ્યો છે. અનેક પશુપાલકો, ખેડુતો સુરત છોડી વતનમાં પરત આવ્યા છે અને તેનો શ્રેય જાય છે દિલીપ સંધાણી ને. અમર ડેરી દ્વારા કરોડો રુપિયાનુ રોજનુ ચૂંકવણું અમરેલી જીલ્લાની ઈકોનોમીને એક નયા આયામ તરફ લઈ જઈ રહ્યું છે. ઉપરાંત દિલીપ સંધાણી ગુજકોમાસોલના પણ ચેરમેન છે.

દિલીપ સંઘાણીમાંથી અનેક વસ્તુઓ ગ્રહણ કરવા જેવી છે. હાર જીતમાં સ્વસ્થ રહેવું. સન બેહજાર સત્તરની ચૂંટણીમાં તેઓ ધારી વિધાનસભામાંથી ભાજપ તરફથી ઉમેદવાર હતા. અને ચૂંટણી લડવાનુ કારણ એ કે પાટીદાર આંદોલનના કારણે કોઈ આ વિસ્તારમાંથી ચૂંટણી લડવા તૈયાર ન હતી. પક્ષને જરુર છે તો ભલે હારી જવુ પડે પરંતુ હૂં ચૂંટણી લડીશ.આ હતો દિલીપ સંઘાણીનો હૂંકાર. પરિણામો આવવા શરુ થયા. તમામ પત્રકારો દિલીપ સંધાણીની ઓફિસે ગયા કારમી હાર છતા ચહેરા પર કોઈ દુખ કે ગ્લાની નહી. સીનીયર પત્રકાર માલિકને સંબોધી દિલીપ ભાઈ કહ્યું કે હાર જીત થયા કરે, અત્યારે સૌએ ઉત્કૃષ્ટ ભોજનનો સ્વાદ માણવાનો છે. બધાને ઈચ્છા નહી હોવા છતા દિલીપ ભાઈએ આગ્રહ કરી ભોજન કરાવ્યુ. અને ભોજનની વાત આવી છે તો અમરેલી અને દિલીપભાઈને ઓળખતા તમામ લોકોને ખબર છે કે દિલીપ સંધાણીનુ ધર એટલે  જેમ સત્તાધારમાં કોઈ પણ સમયે શ્રધ્ધાળુ જાય તો ભોજન વગર આવવા ન દે, તેમ જ દિલીપ સંધાણીનુ ધર છે. કોઈ પણ માણસ પછી તે જાણીતો હોય કે અજાણ્યો, કોઈ પણ કામ લઈને આવ્યો હોય, મીત્ર હોય કે રાજકીય વિરોધ એક વખત સંધાણી પરિવારના ધરના દાદર ચડ્યો એટલે ભોજન વગર પાછો આવી જ ના શકે. ગીતાબહેન. એટલે દિલીપભાઈના પત્ની,  દિલીપ ભાઈના જીવનમાં માંઅન્નપુર્ણાના આશિર્વાદ લઈ આવ્યા છે. ક્યારે કોઈ પરિવારનો સભ્ય મહેમાનને જમાડવામાં મોઢુ બગાડે નહી. ઉલ્ટુ મહેમાન વગર કે એકલા એકલા ભોજન લેવામાં આ પરિવારને નાનપ લાગે છે.

દિલીપ સંધાણીની બીજી અજાણી વાત એ છે કે સાવ સામાન્ય પરિવારના અને ધર ચલાવવામાં સંધર્ષ કરતા તેમના ઓળખીતાના ધરમાં રોશનીનો દીવો ઝગમગાવી દે છે. પોતાની સંસ્થાઓમાં જ્યાં કોઈ નાના મોટી નોકરી હોય તો સૌથી પહેલો વિચાર દિલીપ સંધાણી એ કરે કે આ નોકરી આપવાથી સંસ્થાને સહાય તો થશે પરંતુ એક ધરનો ચુલ ચાલુ રહેશે. અસંખ્ય એવા લોકો છે જેમને દિલીપભાઈ ફળ્યા છે. તેમની નજીક રહેનારા તો તરી જ ગયા છે પરંતુ અનેક લોકોને રોજગારી પુરી પાડી દિલીપ સંધાણીએ સેંકડો લોકોની આંતરડી પણ ઠારી છે.

દિલીપ સંઘાણીએ અમરેલીને ગૌરવ અપાવ્યુ છે ઈફ્કોના ચેરમેન બની ને. વિશ્વની કેટલીક સૌથી મોટી સંસ્થા પૈકીની એક એવી ઈફકોમાં ચેરમેન હોવુ શુ એ એક સમયે ઈફકોના ડિરેકટર રહેલા વિરજીભાઈ ઠુમ્મરે સમજાવ્યું. વિરજીભાઈ કહ્યું કે ઈફ્કોના ચેરમેન હોવુ એ પ્રધાનમંત્રી હોવા જેટલો મોટો હોદ્દો ગણાય. અને ડો. કાનાબારની ટ્વીટના હવાલાથી કહીએ તો ડો. જીવરાજ મહેતા પછી અમરેલીને રાષ્ટ્રીય સ્તરે કોઈએ સન્માન અપાવ્યુ હોય તો તે દિલીપભાઈ સંઘાણીએ અપાવ્યું છે.

મહેન્દ્ર બગડા લખે છે કે જો કે આ દિલીપ સંધાણી માણસ તરીકે ખુબ ઋજુ અને સહૃદયી છે. એક પત્રકાર તરીકે અમને આનો સીધો અનુભવ છે. વાત છે સન બે હજાર બારની ચૂંટણી સમયની. એ વખતે દિલીપ સંધાણી કુલ અગિયાર ખાતાના પ્રધાન હતા. મીડિયામાં અને ખાસ કરીને ટીવી મિડીયામાં અમે ગણ્યાં ગાંઠ્યા બે ચાર મીત્રો હતા તો પ્રીન્ટમાં પણ ચાર પાંચ મીત્રો નિયમીત રિપોર્ટીંગ કરતા હતા. એ વખતે દિલીપ સંઘાણીની વિરુધ્ધમાં લગભગ રોજ એક સ્ટોરી નાંખવાનો રીવાજ થઈ ગયો હતો. સાચી ખોટી સ્ટોરી ચલાવી દિલીપ ભાઈને ખુબ રાજકીય નુકસાન કર્યુ,  પરંતુ તેમણે જે ખેલદીલી દાખવી તે કાબીલે દાદ કહેવાય. જે લોકો સામે હતા તેમાંના તમામ પ્રત્યે ક્યારે ઝેર કે રોષ રાખ્યો નહી. બધાને દિલથી આવકાર્યા. આ વાત હુ તો સ્વીકારું છું કે દિલીપ ભાઈને અનાયસ રીતે ખુબ નુકસાન કરવા છતા તેમણે તમામ પ્રત્યે હેત જ રાખ્યુ છે. અને કદાચ એટલે જ દિલીપ સંધાણી આજે આટલા મોટા પદ પર આરુઢ થયા છે. જો નાની નાની રંજીશ કે દૂશ્મની રાખી હોત તો દિલીપ સંધાણી પણ કદાચ આજે કોઈ ભુલાઈ ગયેલા ક્ષેત્રીય નેતાના લિસ્ટમાં હોત. ખેર દિલીપ સંધાણીએ ઈફકોના ચેરમેન બની અમરેલી જીલ્લાને ગૌરવ અપાવ્યું છે. ફરી વખત દિલીપ સંધાણી ને દીલથી અભીનંદન.

(12:49 pm IST)