મુખ્ય સમાચાર
News of Friday, 24th March 2023

પાકિસ્‍તાની ક્રિકેટરને ઝેર આપીને કરાયો હતો હત્‍યાનો પ્રયાસ, ખુલાસો કરતા જ હડકંપ મચ્‍યો

ઈમરાન નઝીરે કહ્યું તેણે ૭ થી ૮ વર્ષ સુધી સારવાર લેવી પડી હતી, જેની પાછળ જિંદગીની તમામ કમાણી પણ ખાલી થઈ ગઈ હતી

નવી દિલ્‍હીઃ  પાકિસ્‍તાન ક્રિકેટ માં એક વિવાદ શમે કે ના શમે બીજો તૈયાર જ હોય છે. અહીં ક્રિકેટની દરેક અપડેટ વિવાદ સાથે જ મળતી હોય એવી સ્‍થિતી છે. હવે એક ચોંકાવનારો ખુલાસો પાકિસ્‍તાનથી સામે આવ્‍યો છે. એક ક્રિકેટરે પોતાની હત્‍યાનો પ્રયાસ થયો હોવાનો ખુલાસો કર્યો છે. આ ખુલાસાને લઈ પાકિસ્‍તાન જ નહીં ક્રિકેટની દુનિયામાં પણ હડકંપ મચ્‍યો છે. જે ખુલાસો ઈમરાન નઝીરે કર્યો છે. પૂર્વ વિસ્‍ફોટક ઓપનરે જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો અને ભયાવહ છે. તેણે કહ્યુ છે કે, તેને ધીમા ઝેર વડે મારી નાંખવાનો પ્રયાસ થયો હતો.

પૂર્વ ઓપનર ઈમરાન નઝીરે  એક યુટયૂબ ઈન્‍ટરવ્‍યુ દરમિયાન આ આખીય વાતને રજૂ કરી છે. નાદીર અલી પોડકાસ્‍ટ પર બતાવ્‍યુ કે, જ્‍યારે શાનદાર સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્‍યારે જ તેને કોઈએ ઝેર આપ્‍યુ હતુ.

૪૧ વર્ષીય પાકિસ્‍તાની પૂર્વ ઓપનરે ઈન્‍ટરવ્‍યુ દરમિયાન જણાવ્‍યું કે, થોડા સમય પહેલા જ્‍યારે તેની બીમારીની છેલ્લી સારવાર કરવામાં આવી હતી ત્‍યારે ડોક્‍ટરોએ તેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. નઝીરના જણાવ્‍યા મુજબ, રિપોર્ટમાં જાણવા મળ્‍યું કે કોઈએ તેને પારો (મરકયૂરી) ખવડાવ્‍યો હતો, જે ધીમુ ઝેર છે અને હાડકાં અને સાંધાઓને નબળા પાડે છે. નઝીરે જણાવ્‍યું કે તે ૭-૮ વર્ષથી પીડામાં હતો પરંતુ તેમ છતાં તેણે તેના દર્દના આ સમયગાળામાં ઝેર આપનાર વ્‍યક્‍તિને કોઈ શ્રાપ નથી આપ્‍યો.

નઝીરને કયારે અને કોણે ઝેર આપ્‍યું તે ખબર જ ન પડી. નઝીરે કહ્યું કે તેને એ પણ ખબર નથી કે તેણે કયારે, કયાં અને શું ખાધું, જેના કારણે આ ઝેર તેના શરીરમાં પ્રવેશ્‍યું. આ હોવા છતાં, નઝીર આભારી છે કે તે જીવંત છે અને સંપૂર્ણ રીતે ઠીક છે.

(1:16 pm IST)