મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

પ્લાસ્ટિક ઉદ્યોગે ‘અગ્નિવીર’ માટે એક લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી

અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રૂપ, મહિન્દ્રા ગ્રૂપ, આરપીજી એન્ટરપ્રાઇઝિસ બાયોકોન, અને એપોલો હોસ્પિટલ ગ્રૂપ જેવા કોર્પોરેટ ગૃહોએ પણ અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો છે

નવી દિલ્હી :સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’નો દેશભરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન દેશના પ્લાસ્ટિક ઉદ્યોગે ‘અગ્નિવીર’ માટે એક લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની સંસ્થા પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશને કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ને સમર્થન આપ્યું છે. અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રૂપ, મહિન્દ્રા ગ્રૂપ, આરપીજી એન્ટરપ્રાઇઝિસ બાયોકોન, અને એપોલો હોસ્પિટલ ગ્રૂપ જેવા કોર્પોરેટ ગૃહોએ પણ અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો છે.

સંગઠને કહ્યું કે સેનામાં 4 વર્ષ સેવા આપી ચૂકેલા ‘અગ્નિવીર’માંથી લગભગ એક લાખ લોકોને એકલા પ્લાસ્ટિક ઉદ્યોગમાં નોકરી આપી શકાય છે. પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જિગીશ દોશીએ જણાવ્યું હતું કે, “હાલમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં 50,000 થી વધુ પ્રોસેસિંગ યુનિટ્સ છે. છેલ્લા ત્રણ દાયકામાં ઉત્પાદન અને વપરાશમાં અનેકગણો વધારો થયો છે. આ સાથે જ પ્લાસ્ટિક ઉદ્યોગ પણ ઝડપથી વિકસી રહ્યો છે. આવી સ્થિતિમાં આ ઉદ્યોગને મોટા પાયે યુવાનો અને વધુ સારા કામદારોની જરૂર છે. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે પ્લાસ્ટિક ઉદ્યોગમાં 1 લાખ ‘અગ્નિવીર’ને નોકરીઓ આપી શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે 14 જૂને રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેનામાં ભરતીની નવી સ્કીમ ‘અગ્નિપથ’ની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ભારતીય સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. સરકારની જાહેરાત બાદ આખા દેશમાં આ યોજનાનો જોરદાર વિરોધ થયો હતો. બાદમાં કેન્દ્ર સરકારે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી. આ ઉપરાંત ગૃહ અને સંરક્ષણ મંત્રાલયમાં નોકરીઓ માટે ‘અગ્નિવીર’ માટે 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી હતી

(12:34 am IST)