મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

રાહુલ ગાંધીને કોંગ્રેસ જ પપ્પુ કહે છે : ભાજપનો જવાબ

કોંગ્રેસના ટ્વીટ પર ભાજપે નિસાન તાંક્યું : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભુલથી એવું કહેતા જોવા મળ્યા કે, જો તમે ભ્રષ્ટ કે ચોર છો તો તમે નરેન્દ્ર મોદીથી ડરશો

નવી દિલ્હી, તા.૨૪ : ફોન ટેપિંગના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કોંગ્રેસની પાંખ સેવાદળના દમણ અને દીવ યુનિટ દ્વારા એવુ ટ્વિટ કરવામાં આવ્યુ છે કે, ભાજપને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. મળતી વિગતો પ્રમાણે ભાજપે એક દિવસ પહેલા રાહુલ ગાંધીનો એક વિડિયો શેર કર્યો હતો અને તેમાં રાહુલ ગાંધી ભુલથી એવુ કહેતા નજરે પડ્યા હતા કે, જો તમે ભ્રષ્ટ કે ચોર છો તો તમે મોદીથી ડરશો. પછી ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યુ હતુ કે, હવે ખબર પડી કે કોંગ્રેસમાં ડરનો માહોલ કેમ છે.

તેના જવાબમાં દીવ દમણ કોંગ્રેસ સેવાદળે ટ્વિટ કર્યુ હતુ કે, જો રાહુલ ગાંધી પપ્પુ હોય તો એક પપ્પુની જાસૂસી માટે કરોડો રુપિયા કેમ ખર્ચ થઈ રહ્યો છે, ખરેખર તો ડર છે. તેના પર જવાબ આપતા હવે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, પપ્પુ છે ત્યારે તો કરોડો રુપિયા ખર્ચ નથી કર્યા, કોંગ્રેસના કેવા દિવસો આવી ગયા છે કે, જાતે રાહુલ ગાંધીને પપ્પુ કહે છે.

ઉલ્લેખનીય છે કે, પેગેસસ સોફ્ટવેરથી ફોન ટેપિંગનુ પ્રકરણ હાલમાં ભારે ચર્ચામાં છે.જેમાં દાવો થઈ રહ્યો છે કે, ભારતના સંખ્યાબંધ નેતાઓ, પત્રકારો, વકીલોના ફોન ટેપ કરવામાં આવ્યા છે.રાહુલ ગાંધીએ મામલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(7:44 pm IST)