મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

મેચ જોવા ગયેલા ગૃહમંત્રીને ઈમરાનખાને પાછા બોલાવ્યા

પાકિસ્તાનમાં દેખાવો ચાલી રહ્યા છે : લાહોરમાં થયેલી અથડામણમાં ત્રણ પોલીસ કર્મી માર્યા ગયા છતાં મંત્રી યુએઈ પહોંચતા વડાપ્રધાનની નારજગી

લાહોર, તા.૨૩ : પાકિસ્તાનમાં હાલમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બેક પાકિસ્તાનના સમર્થકો દ્વારા દેખાવો ચાલી રહ્યા છે. લાહોરમાં થયેલી અથડામણમાં ત્રણ પોલીસ કર્મીઓ માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આમ છતા પાકિસ્તાનના ગૃહ મંત્રી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપની મેચ જોવા માટે યુએઈ પહોંચી ગયા છે. એ પછી ઈમરાખાને તેમને પાછા બોલાવી લીધા છે. શેખ રશિદ શનિવારે સવારે પાછા આવી ગયા છે.

પોલીસનુ કહેવુ છે કે, દેખાવકારોએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. તેઓ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માંગતા હતા. ભીડ દ્વારા એક પોલીસ ચોકી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.

આ પહેલા ટીએલપી દ્વારા એપ્રિલ મહિનામાં પણ હિંસક દેખાવો કરવામાં આવ્યા હતા. એ પછી પાક સરકારે મજબૂરીમાં આ સંગઠન પર પ્રતિબંધ મુકયો હતો.

ટીએલપીના ચીફ સાદ હુસેન રીઝવીની પંજાબ સરકારે હિંસા ભડકાવવાના આરોપસર ધરપકડ કરી છે અને હાલમાં તે પોલીસની અટકાયતમાં છે. તેને છોડાવવાની માંગ સાથે સમર્થકોએ લાહોરમાં હિંસક દેખાવો કર્યા હતા.

(12:00 am IST)