મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

જળ વીના જીવન શકય નથી : ભારતમાં દર વર્ષે સરેરાશ ૩ સેમી ભૂગર્ભ જળ નીચે ઉતરી રહયું છે

અબજો ગેલન વરસાદી પાણી વેડફાય છે પરંતુ જમીનમાં ઉતારવામાં આવતું નથી

નવી દિલ્હી :  પૃથ્વી પર જળ વીના જીવન શકય નથી આથી જ તો જળ એ જ જીવન કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાંથી જેટલું પાણી ઉલેચવામાં આવે છે તેટલું ઉમેરવામાં આવતું નથી. અબજો ગેલન વરસાદી પાણી વેડફાય છે પરંતુ જમીનમાં ઉતારવામાં આવતું નથી પરીણામ સ્વરુપ ભારતમાં દર વર્ષે સરેરાશ ૩ સેમી ભૂગર્ભ જળ નીચે ઉતરી રહયું છે.

 વિશ્વ મૌસમ વિજ્ઞાાનના અહેવાલમાં જણાવ્યા અનુસાર જળ સંગ્રહમાં ઘટાડો થવાથી આ પરીસ્થિતિ માત્ર ભારતમાં જ નહી સમગ્ર દુનિયામાં જોવા મળે છે. ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૪ સેમી જેટલો ઘટાડો થયો છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધારે છે. ભારતમાં પ્રચંડ જનસંખ્યાના કારણે માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ઝડપથી ઘટી રહી છે. વર્ષ ૨૦૦૧માં ૧૮૧૬ કયૂબિક મીટર હતી જે ૨૦૧૧માં ઘટીને ૧૫૪૨ કયૂબિક થઇ છે

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને ટાંકીને જણાવાયું છે કે આગામી વર્ષ ૨૦૩૧ સુધીમાં જળ ઉપલબ્ધતા ઘટીને ૧૩૬૭ કયૂબિક મીટર રહેવાની ધારણા છે. સ્ટેટ ઓફ કલાયમેટ સર્વિસેઝના રિપોર્ટમાં વૈશ્વિક સંદર્ભમાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૦ વર્ષમાં જળસંગ્રહના દરમાં પ્રતિ વર્ષ ૧ સેમી ઘટાડો થયો છે. એ જોતા ભારતમાં જળ ઘટાડો ખૂબજ વધારે છે. એન્ટાર્કિટકા અને ગ્રીનલેન્ડની પણ પરીસ્થિતિ જળ સંગ્રહ બાબતે ખૂબજ નાજૂક છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીનલેન્ડ વિસ્તારની દ્વષ્ટીએ દુનિયાના ટોપ ટેન દેશોમાં આવે છે પરંતુ વસ્તી ખૂબજ ઓછી છે.

એની સરખામણીમાં ભારતમાં વસ્તીની ગીચતા અને પાણીનો વપરાશ વધારે છે આથી ૩ સેમીનો ઘટાડો ચિંતાનો વિષય છે. ભારતમાં સ્થાનિક સ્તરે જળ સંગ્રહ માટે હજુ પણ નકકર પ્રયાસો કરવામાં આવતા નથી. ઉત્તરભારતના વિસ્તારોમાં પરીસ્થિતિ ઘણી જ વિકટ છે. પૃથ્વી પર ૭૫ ટકા વિસ્તાર પાણીથી ભરેલા ધુંધવતા મહાસાગરો રોકે છે પરંતુ તે પાણી કામનું નથી. પૃથ્વી પર ૦.૫ ટકા પાણી જ પીવાલાયક છે આથી આ જથ્થાને સાચવવા ટકાઉ જળ વ્યવસ્થાપન જરુરી બની ગયું છે. ભૂગર્ભ જળ એટલે કે વર્ષો પહેલા જમીનમાં ઉતરેલું પાણી જ પીવા માટેનો મુખ્ય સોર્સ છે. આ ભૂગર્ભ જળ ઉંડા ઉતરતા જાય છે અને પાણીની ગુણવત્તા તથા જથ્થા બંનેમાં ઘટાડો થયો છે.

(12:00 am IST)