મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

ગુમ થયેલ પર્વતારોહણ ટીમના વધુ બે સભ્યોના મૃતદેહ હિમાચલ સરહદ નજીકથી લામખાગા પાસ પાસેથી મળ્યા

12,000 ફૂટની ઉંચાઈ પર ખરાબ હવામાનને કારણે ગુમ થયેલા ક્લાઇમ્બર્સ માટે સર્ચ ઓપરેશન અટકાવાયું

ઉત્તરકાશી જિલ્લામાં હરસીલ થઈને ચિતકુલ જતા સમયે ગુમ થયેલા 11 સભ્યોની પર્વતારોહણ ટીમના વધુ બે સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. આઈટીબીપીના જવાનો દ્વારા હિમાચલ પ્રદેશની સરહદ નજીકથી શનિવારે મળી આવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું હતું કે, બંને મૃતદેહો લામખાગા પાસ પાસે મળી આવ્યા હતા અને તેમને સાંગલા લાવવામાં આવી રહ્યા છે. ત્યાંથી તેમને ઉત્તરકાશી લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃતદેહો શુક્રવારના દિવસે જ દેખાતા હતા અને શનિવારે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે તેને બહાર કાઢી શકાશે.

તેમની ઓળખ ઉત્તરકાશીના પુરોલાના ઉપેન્દ્ર સિંહ (37) અને કોલકાતાના રિચર્ડ મંડલ (30) તરીકે કરવામાં આવી છે, એમ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું. શુક્રવારે પાંચ આરોહીઓના મૃતદેહ નીચે લાવવામાં આવ્યા હતા. ટીમના બે સભ્યો હજુ પણ ગુમ છે જ્યારે બે બચી ગયેલા સભ્યોની હરસિલ અને ઉત્તરકાશીમાં સારવાર ચાલી રહી છે.

 

જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, 12,000 ફૂટની ઉંચાઈ પર ખરાબ હવામાનને કારણે ગુમ થયેલા ક્લાઇમ્બર્સ માટે સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને હવામાનમાં સુધારો થતાં જ તેને ફરી શરૂ કરવામાં આવશે. પટવાલે જણાવ્યું કે, ગુમ થયેલા લોકોની ઓળખ પુરોલાના રહેવાસી જ્ઞાનચંદ (33) અને કોલકાતાના રહેવાસી સુકેન માંઝી (43) તરીકે થઈ છે.

આ દરમિયાન, બાગેશ્વર જિલ્લાના સુંદરધુંગા ગ્લેશિયરમાં મૃત્યુની આશંકા ધરાવતા પાંચ પર્વતારોહકોની શોધ શનિવારે પણ ચાલુ રહી હતી. બાગેશ્વર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિનીત કુમારે કહ્યું, ‘એસડીઆરએફની ટીમને લઈ જતું હેલિકોપ્ટર બે વખત ગ્લેશિયર નજીક દેવીકુંડ તરફ ઉડાન ભરી, પરંતુ કોઈ લાશ મળી નથી. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર આ વિસ્તારમાં ઉતરી શક્યું નથી.

તેમણે કહ્યું કે પર્વતારોહકોની શોધમાં SDRF ની બીજી ટીમ પણ પગપાળા મોકલવામાં આવી છે અને રવિવારે દેવી કુંડ પહોંચશે. ઉત્તરાખંડમાં 17 ઓક્ટોબરથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 75 થયો છે.

(12:26 am IST)