મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

જો દેશમાં ફરી લોકડાઉન આવશે તો દેશ તબાહ થઈ જશે

કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કરતા દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગશે તેવી ચર્ચાએ જોર પકડયુ છેઃ અનેક સેકટર કે જે હજુ બેઠા નથી થઈ શકયા તે તબાહ થઈ જશેઃ ડીમાન્ડ અને સપ્લાય વેરવિખેર થઈ જશે જેની સીધી અસર અર્થતંત્ર પર પડશે

નવી દિલ્હી, તા. ૨૪ :. દેશના અનેક ભાગોમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઈ ચુકી છે તો દિલ્હીમાં સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. સંક્રમણના સતત વધતા કેસ વચ્ચે ફરી એક વખત લોકડાઉન-પ્રતિબંધો લગાવવાની ચર્ચાઓ ઠેર ઠેર થઈ રહી છે. આ દરમિયાન રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં તથા મધ્યપ્રદેશમાં વહીવટી તંત્રએ આંશિક કર્ફયુ લાદ્યો છે. દિવાળી દરમિયાન બજારોમાં ભારે ભીડ થઈ હતી. સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થયો હતો. જેના કારણે કોરોના ફેલાવાનો ખતરો વધી ગયો છે. એવામાં સવાલ ઉઠે છે કે જો દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગશે તો શું થશે ?

દિવાળી બાદ પણ બજારોમાં ભીડ જોવા મળી રહી છે. પરંતુ તેની અસર ખરીદારીમાં નથી જોવા મળી. આંકડાઓ તપાસીએ તો બજારમાં હજુ પણ કોવિડ પહેલાના સ્તરની ખરીદારી સુધી પહોંચી નથી શકાયું. આ માટે ૩ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી લોકડાઉન બાદ ૧૭ નવેમ્બર સુધી ૫ સપ્તાહના આંકડાઓની તુલના કરવામાં આવી હતી.  આ દરમિયાન દિવાળીની સાંજે ખરીદી ચરમ પર હતી. પરંતુ તે જાન્યુઆરી કે ફેબ્રુઆરી દરમિયાન ૫ સપ્તાહના આંકડાથી ૧૭ ટકા ઓછી રહી હતી. લોકડાઉન બાદ દવા અને અનાજની ખરીદી વધી હતી પરંતુ બાકીના સેકટરોની હાલત ખરાબ થઈ હતી.

દેશમાં ૨૫ માર્ચથી લાગેલા લોકડાઉન બાદ અનેક સેકટરોમાં રોજગારીનું સંકટ ઉભુ થયુ હતું. કામધંધા ઠપ્પ થવાના કારણે હજારો લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. એવામા જો દેશમાં ફરી લોકડાઉન લાગે તો સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય તેમ છે.

કોરોનાના વધતા કહેરને જોતા જો દેશમાં નવુ લોકડાઉન આવે તો અનેક એવા સેકટર તબાહ થઈ જશે જે હજુ સુધી બહાર નીકળી શકયા નથી. એવામા જો ડીમાન્ડ અને સપ્લાયને અસર થશે તો તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડશે. સાથોસાથ લોકોની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ પણ વેરવિખેર થઈ જશે.

(10:46 am IST)