મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

ટીમ ઈન્ડિયાને ફટકો... રોહિત- ઈશાંત બે ટેસ્ટમાંથી બહાર

૮ ડિસેમ્બર બાદ ઓસ્ટ્રેલીયા જશેઃ બાદ ૧૪ દિવસ કવોરેન્ટાઈન રહેવું પડશે, બાદ નેટ પ્રેકટીસ કરવી પડશે

મુંબઈઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરે તે પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર ઇશાંત શર્મા ૪ ટેસ્ટ સીરિઝની પ્રથમ ૨ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જયારે અંતિમ ૨ ટેસ્ટમાં પણ તેમનું રમવું અઘરૃંલાગી રહ્યું છે.

રોહિત અને ઇશાંત બંને અત્યારે બેંગલુરૃંના નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ મેળવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રોહિતને NCA ૮ ડિસેમ્બર પહેલા ટ્રાવેલ કરવા માટેની પરવાનગી આપશે નહિ. તે પછી જ રોહિત ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. ત્યારબાદ ત્યાં પહોંચીને ૧૪ દિવસ કવોરન્ટીનમાં રહેવાનું હોવાથી તે પ્રથમ ૨ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કારણકે કવોરન્ટીનમાં નીકળ્યા પછી પણ તેણે નેટ્સ પર મેચ ફિટનેસ મેળવવા ઘણો સમય પસાર કરવો પડશે.

ઇશાંતે ફિટનેસ મેળવી લીધી છે, પરંતુ ટેસ્ટ મેચ ફિટનેસ એટલે કે લાંબા સ્પેલ નાખવા માટે તેને ઓસ્ટ્રેલિયામાં કવોરન્ટીન પીરિયડ સમાપ્ત કર્યા પછી ૪ અઠવાડિયા કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ હેઠળ નેટ્સમાં પ્રેકિટસ કરવી પડશે. તેવામાં તેને જો અંતિમ ૨ ટેસ્ટમાં રમવું હોય તો વહેલી તકે ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડવી પડશે. બોર્ડના અધિકારીએ કહ્યું કે, T-20 માં ચાર ઓવર નાખવા ઇશાંત ફિટ છે પરંતુ ટેસ્ટ મેચ ફિટનેસ મેળવવા માટે તેને ફરજિયાત ૪ અઠવાડિયા પ્રેકિટસ કરવી પડશે.

જો રોહિત અંતિમ ૨ ટેસ્ટમાં પણ ટીમમાં સ્થાન ન મેળવે તો તેની જગ્યાએ શ્રેયસ ઐયરને તક મળી શકે છે. ઐયર અત્યારે વનડે અને T-20 ટીમનો ભાગ છે. તેણે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં મુંબઈ વતી રમતા ૫૪ મેચમાં ૫૨.૧૮ની એવરેજથી ૪૫૯૨ રન કર્યા છે. તેમજ આ દરમિયાન ૧૨ સેન્ચુરી અને ૨૩ ફિફટી મારી છે. ટેસ્ટ સ્કવોડમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડી હોવાથી બોર્ડ કદાચ જ ઇશાંતનું રિપ્લેસમેન્ટ જાહેર કરશે. ટીમ પાસે રિઝર્વમાં કાર્તિક ત્યાગી, કમલેશ નગરકોટી અને ઈશાન પોરેલ પણ છે.

(3:27 pm IST)