મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

વેકસીન કયારે આવશે એ આપણા હાથમાં નથીઃ વૈજ્ઞાનિકોના હાથમાં છે

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમની સ્પષ્ટ વાત

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં કોરોના  સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્રભાઇ મોદી એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ૮ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, વગેરે હાજર હતા.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું.  તેમણે કહ્યું કે કોરોનાની રસી કયારે આવશે તે આપણા હાથમાં નથી, એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિકોના હાથમાં છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે, કેટલાક લોકો રસી અંગે રાજકારણ કરી રહ્યા છે, આપણે તેમને આવું કરવાથી રોકી શકીએ નહીં.

પીએમ મોદીએ પ્રદેશમાં કોરોનાના આંકડા બતાવવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને અટકાવ્યા અને તેમને આંકડાની જગ્યાએ આગળ રણનીતિ જણાવવા માટે કહ્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ બેઠકમાં કહ્યું કે આગામી વર્ષે આવનારી કોરોના રસી માટે રાજયમાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ માટે તેમની સરકાર સતત સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સાથે વાતચીત ચાલુ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે બંગાળમાં કોરોનાના દર્દીઓની સારવાર બરાબર ચાલી રહી છે. તેમણે પીએમ પાસે GSTના બાકી પૈસા રાજયોને આપવાની માગણી કરી. મમતાએ  કહ્યું કે પશ્યિમ બંગાળ સંવેદનશીલ રાજય છે. બાંગ્લાદેશ અને ભૂટાનની આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલું રાજય છે. ત્યાંથી દર્દીઓ બંગાળ આવે છે. એ જ રીતે પાડોશના બિહાર, ઝારખંડ, ઓડિશા,થી દર્દીઓ બંગાળમાં સારવાર કરાવે છે. જેનાથી રાજય પર બોજો પડી રહ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકમાં કહ્યું કે શહેરમાં કોરોનાના વધતા કેસનું એક કારણ વધતું પ્રદૂષણ છે. તેમણે પીએમ મોદીને પરાલી મામલે હસ્તક્ષેપ કરવાની અને સફદરજંગ હોસ્પિટલમાં આઈસીયુના એક હજાર બેડની વ્યવસ્થા કરવાની માગણી કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે Europe અને અમેરિકામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. આવામાં આપણે પણ સાવધાન રહેવાનું છે. સામાજિક અંતરનું પાલન કરવાનું છે. માસ્ક પહેરવું ફરજિયાત કરવાનું છે.

(3:49 pm IST)