દેશની પ્રથમ સ્વદેશી કોરોના રસી અમદાવાદ પહોંચી : સોલા સિવિલમાં 1000 લોકો પર ટ્રાયલ થશે
તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા :કો-વેક્સિન એક સપ્તાહ સુધી સોલા સિવિલમાં પ્રિઝર્વ રહેશે:
અમદાવાદ : ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી છે. આ વેક્સિની ટ્રાયલ સોલામાં 1 હજાર લોકો પર થશે. હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે. Bharat Biotech Covax
કોરોના વાઇરસ સામે લડવા માટે ભારત બાયોટેકની કો-વેક્સિનનું ત્રીજા તબક્કામાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. આ વેક્સિન ગુજરાતના સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઇ છે. કો-વેક્સિન એક સપ્તાહ સુધી સોલા સિવિલમાં પ્રિઝર્વ રહેશે. નિયત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોવેક્સિનની ટ્રાયલ શરૂ થશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.
ભારત બાયોટેકના ક્વોલિટી ઓપરેશન્સના પ્રેસિડન્ટ સાઇ ડી પ્રસાદે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO), યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના માપદંડ મુજબ આ રસી ઓછામાં ઓછી 50 ટકા અસરકારક હોવી જોઈએ.
કંપનીએ જણાવ્યું હતું કે હવે 60 ટકાની અસરકારકતા સાથે તેણે લઘુત્તમ માપદંડને પાર કરી લીધો છે અને હવે તે અસરકારકતાનો દર વધુ ઊંચે લઈ જવા માંગે છે. અમારા ટ્રાયલ્સના પરિણામો મુજબ આ રસી હવે 50 ટકાથી ઓછી અસરકારક રહે તેવી સંભાવના ઓછી છે
ભારત બાયોટેકે જણાવ્યું હતું કે જરૂરી મંજૂરીઓ મળ્યા પછી રસી 2021ના મધ્યાંતરમા લાવવાનું ધ્યેય છે. કંપનીએ જણાવ્યું હતું કે જો અમને પ્રયોગાત્મક પુરાવા અને આંકડા, અસરકારકતા અને અમારા છેલ્લા ટ્રાયલ્સના સલામતીના આંકડાના આધારે આધારે જરૂરી મંજૂરીઓ મળી જાય તો અમે 2021ના બીજા ક્વાર્ટરમાં રસી લોન્ચ કરવાનું ધ્યેય ધરાવીએ છીએ.