મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

ઓક્સફર્ડની રસીની સો ટકા સફળતા પર નિષ્ણાતોને શંકા

કોરોના સામેની લડતમાં કમર કસતું વિશ્વ : રસી કેટલા સમય સુધી વાયરસ સામે રક્ષણ આપશે તથા અન્ય કેટલાક મુદ્દા અંગે નિષ્ણાતોએ સવાલ ઊભો કર્યો

વોશિંગ્ટન, તા. ૨૪ : ઓક્સફર્ડની રસી ફાઇઝર અથવા મોડેર્ના કરતા ઘણી સસ્તી હોય છે, પરંતુ આ રસી કોવિડ -૧૯ સામે કેટલો સમય સુધી રોગપ્રતિકારક શક્તિ આપશે તે અંગે નિષ્ણાંતોમાં શંકા છે. કોરોના વાયરસ મહામારી આવી તેને લગભગ વર્ષ પૂર્ણ થવા આવ્યું અને આટલા ઓછા સમયમાં પહેલીવાર ઘણી રસી તૈયાર કરવામાં આવી છે. ફાઇઝર, મોડેર્ના સહિતની અનેક કંપનીઓએ તેમના ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે. ભારત જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું તે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના પરિણામો સોમવારે જાહેર થયા છે. આ રસી ચોક્કસ પ્રકારના ડોઝ પેટર્ન અનુસરવા પર ૯૦% અસરકારક હોવાનું જણાયું છે. મહામારીને લઈને વિશ્વની ગતિ અટકી ગયા પછી દુનિયા આખી રસીની આતુરતાથી રાહ જોઈ રહી છે. તેમજ રસી વિકાસમાં પણ નોંધપાત્ર ઝડપ દર્શાવવામાં આવી છે. આમ તો દરેક કંપનીએ દાવો કર્યો છે કે તેમની રસીના ટ્રાયલમાં સલામતીને લઈને કોઈ ગંભીર મુદ્દો આવ્યો નથી, પરંતુ નિષ્ણાતોએ આ રસીઓની સલામતી અંગે થોડી શંકા વ્યક્ત કરી છે. આવું શા માટે આવો તે સમજીએ.

રસીની ટ્રાયલના પ્રારંભિક પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે આ રસીઓ કોવિડ -૧૯ સામે રક્ષણ આપે છે, પરંતુ સવાલ અહીં એ છે કે કેટલા સમય સુધી? શું આ રસી લાંબા સમય સુધી સલામત અને અસરકારક રહેશે? હજુ સુધી આ વિશે કોઈને ખબર નથી. રસી કોઈ ચેપની નકલ કરીને અસરકારક સાબિત થાય છે પરંતુ દરેક રોગ માટે નહીં. ઓરીની રસી આજીવન રક્ષણ આપે છે. પરંતુ ઈન્ફ્લુએન્ઝાની રસી ૯૦ દિવસ સુધી જ રક્ષણ આપી શકે છે. ત્યારે હવે કોવિડની રસી કેટલા સમય માટે રક્ષણ આપે છે, તે જોવાનું રહેશે.

કોરોના વાયરસ એ હકીકતમાં વાયરસનું જૂથ છે જે શરદી અને ઊધરસ જેવા નાના-નાના રોગોનું કારણ પણ બને છે. અમેરિકામાં ચેપી રોગ વિભાગના વડા ડો. એન્થોની ફોચી કહે છે, જ્યારે તમે સામાન્ય શરદીનું કારણ બને છે તેવા કોરોના વાયરસના ઇતિહાસ પર નજર નાખો ત્યારે, અહેવાલો એવા હોય છે કે વ્યક્તિમાં તેની સામેની રોગપ્રતિકારક ક્ષમતા છ મહિનાથી લગભગ એક વર્ષ સુધી રહે છે. કોવિડ -૧૯ની રસીને લઈને વિશ્વ આટલા ટૂંકા સમય માટે રોગપ્રતિકારક શક્તિની અપેક્ષા નહીં જ ધરાવતું હોય. ડો. અટાણુ વિશ્વાસે અમારા સહયોગી ધ ઇકોનોમિક ટાઇમ્સમાં લખ્યું છે કે જો પાછલી મહામારીઓ અંગે જોઈએ તો સાર્સ અને માર્સ ને જોતા એક અથવા બે વર્ષમાં એન્ટિબોડી સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, તેઓ પૂછે છે કે, સાર્સ-કોવ-૨ સામે શારીરિક રોગપ્રતિકારક પ્રણાલી કેટલો સમય લડશે? તેમણે લખ્યું છે કે તાજેતરના સંશોધન સૂચવે છે કે કોવિડ દર્દીઓમાં સ્વસ્થ થયાના થોડા મહિના પછી એન્ટિબોડીઝનું સ્તર ઘટી ગયું છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો માને છે કે રસી સાથે પણ આવું જ થશે. કદાચ દોઢ-બે વર્ષ પછી આ રસી અસરકારક ન પણ હોય. ત્યાં સુધી કે એક સરખી વસ્તીમાં પણ રસીને લઈને શરીરના જુદા જુદા પ્રતિસાદ જોઇ શકાય છે.

(8:59 pm IST)