મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

સુપ્રિમ કોર્ટમાં ખુલી અરૂણ ગોયલને ચૂંટણી કમીશનર બનાવવાની ફાઇલઃ નામ ૧ દિ'માં ફાઇનલ કેમ ?

સુપ્રિમ કોર્ટના જજે કેન્‍દ્રને કર્યા સવાલ : કોર્ટે થયેલી અરજી ઉપરનો ફેંસલો સુરક્ષિત રાખ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૪: મુખ્‍ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્‍પક્ષ અને પારદર્શક રીતે નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્‍યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકને લઈને કેન્‍દ્ર સરકારને અનેક સવાલો પૂછયા. કોર્ટે બુધવારે કેન્‍દ્ર પાસેથી ચૂંટણી કમિશનરની નિમણૂક સાથે સંબંધિત દસ્‍તાવેજો મંગાવ્‍યા હતા. ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયાને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્‍દ્રએ નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત ફાઇલ કોર્ટને સોંપી હતી. આ જોયા બાદ બેન્‍ચે અનેક સવાલો પૂછયા. એ પણ પૂછવામાં આવ્‍યું કે એક જ દિવસમાં અરુણ ગોયલનું નામ કેવી રીતે ફાઈનલ થઈ ગયું?

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે પશ્‍ન પૂછયો હતો કે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે વડા પ્રધાનની મંજૂરી માટે કાયદા પ્રધાન દ્વારા મોકલવામાં આવેલા ચાર નામોને શોર્ટલિસ્‍ટ કરવા પાછળના માપદંડ શું હતા? ખંડપીઠે, ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સ્‍વતંત્ર મિકેનિઝમની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે, ટિપ્‍પણી કરી હતી કે જો મામલો પેન્‍ડિંગ હોય ત્‍યારે નિમણૂક કરવામાં આવી ન હોત તો તે યોગ્‍ય હોત.

એક દિવસમાં નિમણૂક પર ઉઠાવવામાં આવેલા પ્રશ્‍નો અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટને જાણ કરી હતી કે ગોયલને ગુરુવારે સેવામાંથી સ્‍વૈચ્‍છિક નિવળત્તિ આપવામાં આવી હતી અને તેમની નિમણૂક બે દિવસમાં કન્‍ફર્મ કરવામાં આવી હતી. આજે ભારતના એટર્ની જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઈલોની તપાસ કર્યા પછી, બેન્‍ચે પ્રશ્‍ન કર્યો હતો કે શા માટે એક દિવસમાં નિમણૂક કરવામાં આવી હતી. બેન્‍ચે એટર્ની જનરલ આર વેંકટરામણીને પણ પૂછયું હતું કે શા માટે એવી વ્‍યક્‍તિની નિમણૂક કરવામાં આવી, જેનો કાર્યકાળ ૬ વર્ષનો પણ ન હોય.

દેશમાં મુખ્‍ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સ્‍વતંત્ર પેનલની રચના કરવામાં આવશે કે કેમ? સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્‍યો છે. વાસ્‍તવમાં, મુખ્‍ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્‍પક્ષ અને પારદર્શક રીતે નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્‍યો છે.

(4:45 pm IST)