મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

એપ્રિલ મહિના પછી ચીનમાં લાંબા સમય બાદ એક સાથે કોરોનાના 31454 કેસ આવતા ચિંતા

કેટલાક મહિના સુધી સંક્રમણ નિયંત્રીત હતુ પરંતુ છુટછાટ મળતા કેસ વધ્‍યા

હોંગકોંગઃ ચીનમાં એક સાથે કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

વિશ્વના કેટલાક દેશમાં મહામારીની ઝડપ ઓછી થઇ છે જ્યારે ચીનમાં આ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. કોરોના વાયરસ મહામારીની શરૂઆત પછી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ચીનમાં બુધવારે 31,454 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા હતા જેમાંથી 28 હજાર દર્દીમાં સંક્રમણના કોઇ લક્ષણ નથી. જોકે, ચીન તરફથી જાહેર આંકડાને લઇને શરૂઆતથી જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પહેલા એપ્રિલમાં નોંધાયા હતા રેકોર્ડ કેસ

એપ્રિલમાં અહી એક દિવસમાં કોરોનાના 29,390 કેસ સામે આવ્યા હતા, જે બાદ શાંઘાઇમાં લૉકડાઉન લાગૂ કરી દીધુ હતુ. આ દરમિયાન કડક પ્રતિબંધ લાગુ હતા અને લોકોને જરૂરી સામાન ખરીદવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. જૂનમાં જ્યારે શાંઘાઇમાંથી પ્રતિબંધ હટ્યો તે બાદ કેસમાં ઉછાળો નોંધાયો હતો, તે બાદ કેટલાક મહિના સુધી સંક્રમણ નિયંત્રિત હતુ પરંતુ હવે તેની ઝડપ ફરી વધી છે.

લૉકડાઉનથી પ્રભાવિત છે 41 કરોડ લોકો

કોરોનાના કેસની લેટેસ્ટ લેહરની સૌથી વધુ અસર દક્ષિણ શહેર ગુઆંગઝો, બેઇજિંગ અને મધ્ય ચીનના કેટલાક ભાગમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે અધિકારી આ વિસ્તારમાં પ્રતિબંધ લાગુ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવાર સુધી ચીનમાં લગભગ 41 કરોડ લોકો લૉકડાઉનને કારણે પ્રભાવિત હતા. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો 20 ટકા અર્થવ્યવસ્થા પર લૉકડાઉનને કારણે નકારાત્મક અસર પડી છે.

ચીનમાં લાગુ છે કેટલાક પ્રતિબંધ

1.4 અબજની વસ્તીના હિસાબથી ચીનમાં દૈનિક કેસની સંખ્યા વધારે નથી પરંતુ અહીની ઝીરો-કોવિડ નીતિ હેઠળ કેટલાક કેસ સામે આવતા જ આખા શહેરને બંધ કરી દેવામાં આવે છે અને સંક્રમિત લોકોને ક્વોરન્ટાઇનમાં રહેવુ પડે છે.

મહામારીની ઝડપ ધીમી કરવા માટે અહી લૉકડાઉન, મોટા સ્તર પર ટેસ્ટિંગ અને યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવવા જેવા પગલા ભરવામાં આવી રહ્યા છે.

ચીન અને દુનિયામાં કેટલા કેસ

જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટી અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 63.95 કરોડ કેસ નોંધાઇ ચુક્યા છે અને 66.25 કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

9.85 કરોડ કેસ અને 10.79 લાખ મોત સાથે અમેરિકા દુનિયાના સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. અમેરિકા પછી ભારત બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ચીનમાં ઓફિશિયલ રીતે 10.34 લાખ લોકો સંક્રમિત થયા હતા અને 15,872 લોકોના મોત થયા હતા.

(5:51 pm IST)