મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં એકલી યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુદ્દે મહિલા આયોગ નોટીસ ફટકારશે

મસ્જિદ મેનેજમેન્ટનું કહેવુ છે કે પરિવાર અથવા લગ્નેતર જોડા પર કોઇ પ્રતિબંધ મુકાયો નથી :દિલ્હી મહિલા આયોગે આ નિર્ણયને તાલિબાની ગણાવ્યો

નવી દિલ્હી :દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં એકલી યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધનો મામલો ગરમાયો છે. એક તરફ જ્યા કેટલાક લોકો મસ્જિદ મેનેજમેન્ટ આ નિર્ણયને સાચો ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ધાર્મિક સ્થળ પર મહિલાઓ સાથે ભેદભાવ સાથે જોડીને જોઇ રહ્યા છે. આ ઘટનાને મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધી છે. મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ કે અમે આ કેસ પર સંજ્ઞાન લઇ રહ્યા છીએ, આ ગંભીર ઘટના છે. જલ્દી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રાષ્ટ્રીય મહિલા આયોગના સૂત્રો અનુસાર તેને લઇને આયોગ દ્વારા જામા મસ્જિદ મેનેજમેન્ટ નોટિસ ફટકારશે. સાથે જ આ કેસ પર સ્પષ્ટીકરણ માંગવાની સાથે તેમણે મહિલાઓ સાથે કોઇ પણ રીતના ભેદભાવ ના કરવાને લઇને ચેતવવામાં આવશે.

 

યુવતીઓના મસ્જિદ પર પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણયને લઇને મસ્જિદ મેનેજમેન્ટે અનોખી દલીલ કરી છે. જામા મસ્જિદ મેનેજમેન્ટનું કહેવુ છે કે મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત નથી, માત્ર એકલી મહિલાઓની એન્ટ્રી પર બેન છે, કારણ કે આ ધાર્મિક સ્થળ પર યુવતીઓ ખરાબ હરકતો કરે છે અને વીડિયો શૂટ કરે છે. આ બધાને રોકવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે. મસ્જિદ મેનેજમેન્ટનું કહેવુ છે કે પરિવાર અથવા લગ્નેતર જોડા પર કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. દિલ્હી મહિલા આયોગે આ નિર્ણયને તાલિબાની ગણાવ્યો છે અને જામા મસ્જિદ મેનેજમેન્ટના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. DCWના વડા સ્વાતિ માલીવાલે મસ્જિદમાં યુવતીઓના પ્રવેશ પર રોક બાદ જામા મસ્જિદના ઇમામને નોટિસ ફટકારી છે. સ્વાતિ માલીવાલે કહ્યુ કે જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય ખોટો છે.

સ્વાતિ માલીવાલે મસ્જિદ મેનેજમેન્ટના આ નિર્ણયને તાલિબાની ગણાવી દીધો છે, તેમણે કહ્યુ કે જેટલો હક એક પુરૂષને ઇબાદતનો છે એટલો જ એક મહિલાને પણ છે. હું જામા મસ્જિદના ઇમામને નોટિસ ફટકારી રહી છુ, આ રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઇને નથી.

મહત્વપૂર્ણ છે કે જામા મસ્જિદમાં યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધની નોટિસ મસ્જિદના ગેટ પર લગાવવામાં આવી છે. જામા મસ્જિદ મેનેજમેન્ટ દ્વારા મસ્જિદના નિર્ણયને લઇને મુસ્લિમ સંગઠન, સામાજિક સંગઠન અને મહિલા સંગઠનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે

(7:15 pm IST)