મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

કાર્તિકેશ્વરની મૂર્તિ વિસર્જનમાં ફટાકડા ફોડતા સમયે આગ

ઓડિશાના કેન્દ્ર પાડા જિલ્લામાં મોટી દુર્ઘટના : ફટાકડા ફોડતા સમયે આગથી ૪૦થી વધુ લોકો દાઝ્યા

કેન્દ્રપાડા, તા.૨૪ : ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના બલિયા બજારમાં ભગવાન કાર્તિકેશ્વરની મૂર્તિના વિસર્જન સમારોહ દરમિયાન બુધવારે ફટાકડા ફોડતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ ૪૦થી વધુ લોકો દાઝી ગયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫ ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે. કેન્દ્રપાડા ડીએમ અમૃત ઋતુરાજે જણાવ્યું કે, વિસર્જન સ્થળ પર વિવિધ પૂજા પંડાલોમાં ફટાકડા ફોડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ફટાકડામાંથી નીકળતી એક સ્પાર્ક ફટાકડાના ઢગલા પર પડી જેના કારણે વિસ્ફોટ થયો અને લોકો દાઝી ગયા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને દાઝી ગયેલા લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ઘણા લોકોની ગંભીર હાલત જોઈને અહીંના ડોક્ટરોએ તેમને એસસીબી મેડિકલ કોલેજ અને કટક હોસ્પિટલમાં રિફર કર્યા છે. બલિયા પ્રદેશમાં સંક્રાંતિ બાદ કાર્તિકેશ્વર મૂર્તિ વિસર્જન મોટા પાયે ઉત્સવો સાથે થાય છે.

બુધવારે રાત્રે લગભગ ૯:૦૦ વાગ્યે ફટાકડાનો શો ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક રોકેટ ફટાકડાના સ્ટોરમાં પડ્યા હતા જેના કારણે સીરિયલ વિસ્ફોટ થયો હતો. સ્થળ પર હાજર ૪૦થી વધુ લોકો દાઝી ગયા હતા અને તેમાંથી કેટલાક જેઓ વિસ્ફોટ સ્થળની નજીક હતા તેઓને સૌથી વધુ અસર થઈ હતી. એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલે દાઝી ગયેલા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

(7:43 pm IST)