મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

ચોરોએ 9 મિનિટમાં 14 કરોડ રૂપિયાના દુર્લભ પ્રાચીન અને દુર્લભ સોનાના સિક્કા ચોરી ગયા

પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા ?

નવી દિલ્હી :ચોરોએ જર્મનીના એક મ્યુઝિયમમાંથી આશરે 1.4 મિલિયન પાઉન્ડના સોનાના સિક્કાની ચોરી કરી છે.ભારતીય રૂપિયામાં આ પ્રાચીન અને દુર્લભ સિક્કાઓની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. પોલીસનું કહેવું છે કે ચોરોએ 9 મિનિટમાં આ કામ કર્યું છે. તેઓએ મધ્યરાત્રિએ બાવેરિયાના માન્ચિંગમાં મ્યુઝિયમમાંથી સેન્કડો સિક્કાઓની ચોરી કરી હતી.

પોલીસ હજુએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચોરો મ્યુઝિયમમાં કેવી રીતે ઘૂસ્યા, શું તેઓએ એલાર્મ સિસ્ટમ તોડી કે ચોરી કરતા પહેલા ઈન્ટરનેટ કેબલ કાપી નાખ્યા?

આ ચોરીનો અગાઉની કોઈ ચોરી સાથે સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.ચોરી બાદ બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફ મ્યુઝિયમમાં આવ્યો ત્યારે તેમને ફ્લોર પર તૂટેલા કાચ પડ્યા હતા અને સોનાના સિક્કા ક્યાંય મળ્યા ન હતા.

પોલીસને શંકા છે કે આ સિક્કાઓની ચોરી પાછળ સંગઠિત ગુનેગાર ગેંગનો હાથ છે. આથી પોલીસ જૂની ચોરીઓને આ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.

આવો જ એક કિસ્સો વર્ષ 2017માં જર્મનીના બર્લિનમાં જોવા મળ્યો હતો. તે સમયે ચોરો 100 કિલો સોનાના સિક્કા ચોરી ગયા હતા.

બે વર્ષ પછી ડ્રેસ્ડનના ગ્રીન વૉલ્ટ મ્યુઝિયમમાંથી 21 હીરાના ઘરેણાં ગુમ થયા. ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

(11:56 pm IST)