મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

WFના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપોની તપાસ માટે મોનિટરિંગ કમિટી બનાવવાના નિર્ણયથી પહેલવાનોમાં નારાજગી

પહેલવાનોએ ટ્વીટ કર્યું કે અમને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે મોનિટરિંગ કમિટીની રચના કરતા પહેલા અમારી સલાહ લેવામાં આવશે, આ ખરેખર દુઃખદ છે કે અમારી સલાહ લેવામાં આવી નથી

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ધાકધમકીનો આરોપ લગાવનાર પહેલવાનોએ તેમના પર લાગેલા આરોપોની તપાસ માટે મોનિટરિંગ કમિટી બનાવવાના રમત પ્રશાસકના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે પહેલવાનો પાસેથી સલાહ લીધી નહતી.

  ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે બોક્સર એમસી મેરીકૉમની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની મોનિટરિંગ કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. આ કમિટી WFI અધ્યક્ષ વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ ઉપરાંત રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રોજિંદા કામનું પણ ધ્યાન રાખશે. સમિતિના અન્ય સભ્યોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અને મિશન ઓલિમ્પિક સેલના સભ્ય તૃપ્તિ મુરગુંડે, TOPSના પૂર્વ CEO રાજગોપાલન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ટીમ) રાધિકા શ્રીમન સામેલ છે.

  WFI અધ્યક્ષને હટાવવાની માંગણી સાથે જંતર-મંતર પર ત્રણ દિવસ સુધી ધરણા પર બેઠેલા પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગા, સરિતા મોર અને સાક્ષી મલિકે એક સરખી ટ્વીટ પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અનુરાગ ઠાકુરને ટેગ કરીને ટ્વીટ કર્યુ છે કે, “અમને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે મોનિટરિંગ કમિટીની રચના કરતા પહેલા અમારી સલાહ લેવામાં આવશે, આ ખરેખર દુઃખદ છે કે અમારી સલાહ લેવામાં આવી નથી.” આ પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ તાનાશાહી વલણ અપનાવવાનો અને જૂનિયર પહેલવાનોની જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. બ્રિજભૂષણ શરણ ભાજપના સાંસદ છે. પહેલવાનોએ તે ખેલાડીઓના નામને જાહેર કર્યા નથી જેમના પર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

(10:12 pm IST)