મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

RBI દ્વારા રાહત : ખાતેદારો હવે ૩૧મી ડિસેમ્‍બર સુધી લોકર્સ એગ્રીમેન્‍ટ કરી શકશે

મોટાભાગના લોકર્સ હોલ્‍ડરોએ હજી સુધી નવો એગ્રીમેન્‍ટ કર્યો નથી

મુંબઇ,તા. ૨૫ : રિઝર્વ બેંકે બેંકોના લોકર્સ ધારકોને રાહત આપતા જાહેર કર્યું છે કે, બેંક સાથે નવો બેંક લોકર એગ્રીમેન્‍ટ હવે ૩૧ મી ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીમાં કરી શકાશે. અગાઉ રિઝર્વ બેંકે આ સમય મર્યાદા ૧ લી જાન્‍યુઆરી ૨૦૨૩ રાખી હતી. જે હવે વર્ષ સુધી લંબાવવામાં આવી છે.

રિઝર્વ બેંકના ધ્‍યાને આવ્‍યું હતું કે, મોટાભાગના ખાતેદારોએ હજી નવો સુધારેલો એગ્રીમેન્‍ટ કર્યો નથી. ઘણા કિસ્‍સાઓમાં તો બેંકોએ પણ તેમના ખાતેદારોને નવો એગ્રીમેન્‍ટ કરવો પડશે. તેની જાણ કરી નથી. બેંકોને રાહત મળે તે માટે રિઝર્વ બેંકે આ સમય મર્યાદામાં વધારો જાહેર કર્યો છે. બેંકોએ હવે તેમના હાલના સેઇફ ડિપોઝીટ લોકર્સ ધારકો માટે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જેમાં ૩૦ જૂન સુધીમાં ૫૦ ટકા, ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૭૫ ટકા અને બાકીના લોકર ધારકોને એગ્રીમેન્‍ટ ૩૧મી ડિસેમ્‍બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ આરબીઆઇના પરિપત્રમાં જણાવાયું છે. નવા એગ્રીમેન્‍ટમાં બેંકની ભૂલથી જો લોકધારકને નુકશાન થયું હોય તો તે ભરપાઇ કરવા માટે બેંક જવાબદાર છે તે સહિતની ખાતેદારોના હિતમાં કઇ કઇ કલમ છે તે જણાવવામાં આવશે.

 

સ્‍થગિત લોકર તત્‍કાલ અસરથી ઓપરેટ કરવા દેવા આદેશ

જે કેસોમાં એગ્રીમેન્‍ટ થયા નથી તેમ જણાવીને લોકર ઓપરેશન સ્‍થગિત કરાયા હતા તે હવે તત્‍કાળ અસરથી પુનઃ ઓપરેટ કરવા દેવા આદેશ આપાયો છે. તાજેતરમાં શહેરની કેટલીક શાખાઓમાં ફ્રેંકિંગના બદલે સ્‍ટેમ્‍પ પેપર લાવવા માટે લોકરધારકોને ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી

(11:10 am IST)