મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

વેપારીઓને ટેક્ષ ચુકવવા કહે ઉપલા ‘સાહેબો'

સરકારને થઇ શકે છે ૫૦૦૦ કરોડની આવક

નવી દિલ્‍હી તા. ૨૫ : કેન્‍દ્રીય પ્રત્‍યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ એવા ધંધાર્થીઓ અને કંપનીઓને કર ચૂકવવા કહે જેમણે પાછલા ઘણાં વર્ષો દરમિયાન સેસ અને સરચાર્જ માટે ડીડકશનની માંગણી કરી હતી. તેમને દંડથી બચવા માટે સ્‍વેચ્‍છાએ આગળ આવવા અને કરના તફાવતનું ચુકવણું કરવા પ્રેરિત કરે.

ટેક્ષ રિટર્ન સબમીટ કરવા અને તેમાં સુધારા કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચે પુરી થઇ જશે. ૩૧ માર્ચ પછી દાવાની રકમને જાહેર કર્યા વિનાની આવક માનવામાં આવશે અને તેના પર ૫૦ ટકા દંડ લાગી શકે છે.

સીબીટીના ચેરમેન નિતીન ગુપ્‍તાની ગઇકાલની મીટીંગમાં એ મુખ્‍ય એજન્‍ડા હતો. આ ઉપરાંત સીબીડીટીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં કુલ કરસંગ્રહ, ટીડીએસ સંગ્રહ, સીઆઇડી કેસ અને કરદાતાઓની ફરિયાદો પર પણ ધ્‍યાન આપ્‍યું.

એક અનુમાન અનુસાર, આ કવાયતથી ૫૦૦૦ કરોડ રૂપિયાનો કર સંગ્રહ થઇ શકે છે. તેનાથી ૩૧ માર્ચે સમાપ્‍ત થનાર નાણાકીય વર્ષમાં ડાયરેકટ ટેક્ષની આવકમાં વધારો થશે.

ગયા વર્ષે સરકારે આવકવેરા અધિનિયમની કલમ ૪૦(એ)(ર) હેઠળ પાછળ તારીખથી લાગુ થતો સુધારો કર્યો હતો. તેનો ઉદ્દેશ ખાસ કરીને એવા ધંધાર્થીઓ માટે આ જોગવાઇનો દુરૂપયોગ રોકવાનો હતો જેઓ આને છૂટ અથવા ધંધાકીય ખર્ચ તરીકે ગણે છે.

(3:53 pm IST)