મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

PM મોદી 'પરીક્ષા પે ચર્ચા'માં ૩૮ લાખ વિદ્યાર્થીઓને આપશે 'મંત્ર'

કેવી રીતે દૂર કરવો પરીક્ષાનો તણાવ ?

નવી દિલ્હી, તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ વર્ષે ૨૭ જાન્યુઆરીએ પરીક્ષા અંગે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫ લાખનો વધારો થયો છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાતચીત કરવાની તક મળશે. Pariksha pe Charchaકાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત તણાવના મુદ્દાઓ પર વાત કરે છે.

આ વર્ષે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ દેશભરમાં કરવામાં આવશે. પરિક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લગતા તણાવ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આ દરમિયાન પીએમ મોદી વિદ્યાર્થીઓના સવાલોના જવાબ પણ આપે છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ શરૃ કરવામાં આવી હતી.

જો કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાળાના બાળકો માટે છે પરંતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકશે. ૨૦૧૮માં શરૃ થયેલા આ પ્રોગ્રામમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રથમ નોંધણી કરાવી હતી. ૨૦૧૯માં આ સંખ્યા વધીને ૧,૫૮,૦૦૦ થઈ ગઈ. જ્યારે ૨૦૨૦માં ૩ લાખ, ૨૦૨૧માં ૧૪ લાખ અને ૨૦૨૨માં ૧૫.૮ લાખ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. આ વર્ષે રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૩૮.૮ લાખ થઈ ગઈ છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ શારીરિક રીતે ભાગ લેશે. આ વર્ષે દેશભરમાંથી ૨૦ લાખથી વધુ પ્રશ્નો આવ્યા છે, જે નિષ્ણાંતો, વાલીઓ, શાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ નિયામક ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને પત્રો મોકલીને કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.(

(1:28 pm IST)