મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

શ્રીલંકામાં પેટ્રોલની કિંમત રૂા. ૪૨૦ : ડીઝલનો ભાવ ૪૦૦ રૂપિયા

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલની કિંમતમાં ૮૨ રૂા. અને ડીઝલની કિંમતમાં ૧૧૧ રૂા. પ્રતિ લીટરનો વધારો

કોલંબો તા. ૨૫ : શ્રીલંકામાં પેટ્રોલની કિંમતમાં ૮૨ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧૧૧ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જે બાદ પેટ્રોલની કિંમત ૪૨૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૪૦૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જો કે આ પછી પણ શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભારત કરતા ઓછા છે. વાસ્‍તવમાં, ભારતીય એક રૂપિયાની કિંમત શ્રીલંકાના ૪.૬૪ રૂપિયાની બરાબર છે. આવી સ્‍થિતિમાં ભારતીય ચલણ અનુસાર શ્રીલંકામાં પેટ્રોલની કિંમત ૯૦.૫૭ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૬.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે.

તે જ સમયે, ભારતીય તેલ કંપની IOCL ના નવીનતમ અપડેટ અનુસાર, ૨૫ મે ૨૦૨૨ ના રોજ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતો આજે (બુધવારે) રાષ્ટ્રીય બજારમાં સ્‍થિર છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્‍હીમાં આજે ૨૫ મે, ૨૦૨૨ના રોજ પેટ્રોલની કિંમત ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.

૧૯ એપ્રિલ પછી શ્રીલંકામાં તેલની કિંમત બીજી વખત વધી છે. આ સાથે, સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઓક્‍ટેન ૯૨ પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. ૪૨૦ (઼૧.૧૭) છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. ૪૦૦ (઼૧.૧૧) છે, જે અત્‍યાર સુધીનો સૌથી વધુ છે.

(12:08 pm IST)