મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

' ચોકીદાર ખુદ ચોર ' : બેંકમાં લાંબા સમય સુધી ખાતું નિષ્ક્રિય રાખતા ગ્રાહકો ચેતજો : નિષ્ક્રિય ખાતાના એસએમએસ એલર્ટ નંબર બદલી ખુદ બેંક અધિકારીઓએ 30.95 લાખ રૂપિયા ઉપાડી લીધા : ઉચાપત કરેલી રકમમાંથી સોનુ ખરીદયુ : દહેરાદુન સ્થિત સેન્ટ્રલ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ

દેહરાદૂન : દેહરાદૂનની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં મોટો ગોટાળો સામે આવ્યો છે. બેંકના 3 અધિકારીઓએ ગ્રાહકના બેંક ખાતામાંથી રૂ. 30.95 લાખથી વધુ રકમ ઉપાડી સોનું ખરીદ્યું હતું. STFએ 3 અધિકારીઓની ધરપકડ કરી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ત્રણ અધિકારીઓએ ગ્રાહકના બેંક ખાતામાંથી રૂ. 30.95 લાખથી વધુ રકમ ઉપાડી સોનું ખરીદ્યું હતું. STFએ આ કેસમાં આરોપી બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસરની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ બેંકમાં લાંબા સમયથી નિષ્ક્રિય ખાતાઓની અંગત વિગતો બદલીને પૈસા ઉપાડતા હતા અને પછી સોનામાં રોકાણ કરતા હતા. આવો જ મામલો અન્ય બેંક શાખા સાથે પણ સંબંધિત છે, જેની હાલમાં તપાસ ચાલી રહી છે.

એસટીએફના એસએસપી અજય સિંહના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં અતુલ કુમાર શર્મા નિવાસી હર્બર્ટપુર વિકાસનગરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની માતાનું હર્બર્ટપુરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં બચત ખાતું છે. તાજેતરમાં, કોઈએ ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તેના ખાતામાંથી 30.95 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ટ્રાન્ઝેક્શન માટે તેને કોઈ SMS પણ મળ્યો નથી.

આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. આ પછી ખાતાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ખાતામાં જમા થયેલા પૈસાથી ઓનલાઈન સોનું ખરીદવામાં આવી રહ્યું છે. તેનાથી જે નફો થઈ રહ્યો છે તે તેમાં જમા પણ નથી થઈ રહ્યો. આ પછી સાયબર પોલીસે વિવિધ વોલેટ ચેક કર્યા. શરૂઆતની તપાસમાં જ બેંક શાખાના મેનેજર નિશ્ચલ રાઠોડ નિવાસી શાહબાઝપુર જીનોરા બદાઉન યુપીનું નામ સામે આવ્યું હતું.

મંગળવારે STFએ આરોપી નિશ્ચલ રાઠોડની દિલ્હીના કરોલબાગમાંથી ધરપકડ કરી હતી. આ પછી, આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસર આઝમ રહેવાસી ઈન્દિરા કોલોની પંતનગર યુએસનગર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર કવિશ ડાંગ રહેવાસી વિકાસનગરની સેલાકુઈથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી લેપટોપ, ટેબ, સિમ કાર્ડ અને પાસબુક પણ મળી આવી હતી.

આરોપી નિશ્ચલ રાઠોડે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે તેની બેંકના આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસર આઝમ અને આસિસ્ટન્ટ મેનેજર કવિશ ડુંગ સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો. તેઓ એવા ખાતા પસંદ કરતા હતા જેમાં લાંબા સમય સુધી કોઈ વ્યવહાર ન થતો હોય. ત્યારપછી તેઓ નિષ્ક્રિય ખાતાના એસએમએસ એલર્ટ નંબર બદલતા હતા. આ પછી, તેઓ નેટ-મોબાઇલ બેંકિંગ દ્વારા પૈસા ઉપાડતા હતા. આ પૈસાથી ઓનલાઈન સોનું ખરીદતા, પછી તેને વેચીને નફો મેળવતા હતા તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)